પૂર્વ સાંસદોને સરકારી બંગલો ખાલી કરવાં 7 દી’ની મહેતલ

પૂર્વ સાંસદોને સરકારી બંગલો ખાલી કરવાં 7 દી’ની મહેતલ
લોકસભા સમિતિનો નિર્ણય: વિજળી, પાણી અને ગેસ જોડાણ કાપી નખાશે
નવીદિલ્હી,તા.19: અત્યાર સુધી પોતાને ફાળવવામાં આવેલા સરકારી બંગલો ખાલી નહીં કરનારા 200થી વધુ પૂર્વ સાંસદોને લોકસભાની એક સમિતિ દ્વારા સરકારી આવાસો ખાલી કરવાં માટે 7 દિવસની મહેતલ આપી દેવામાં આવી છે. આટલું જ નહીં પૂર્વ સાંસદો જો આ સમયમર્યાદામાં બંગલો ખાલી નહીં કરે તો વિજળી, પાણી અને ગેસનાં કનેક્શન પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે.
આજે આ અંગે નિર્ણય લેતી વેળા સમિતીનાં અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રણ જ દિવસમાં પૂર્વ સાંસદોનાં સરકારી આવાસોનો વિજળી,પાણી તથા ગેસનાં જોડાણો કાપી નાખવામાં આવશે.  આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પૂર્વ સાંસદોએ સાત દિવસની મુદતમાં સરકારી આવાસ ખાલી કરવાનાં રહેશે.
પાટીલે કહ્યું છે કે, કોઈપણ સાંસદે બંગલો ખાલી કરવાનો ઈનકાર કરેલો નથી. નિયમાનુસાર પૂર્વ સાંસદોને અગાઉની લોકસભા ભંગ થયા બાદ એક મહિનામાં પોતાનાં બંગલો ખાલી કરવાના હોય છે. આમ છતાં હજી સુધી 200 જેટલા પૂર્વ સાંસદોએ હજી પણ પોતાને ફાળવવામાં આવેલા આવાસો ખાલી કર્યા નથી. આ સાંસદોને 2014માં આવાસો ફાળવવામાં આવેલા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer