રાજનાથનાં નિવેદનથી પાક. ફફડયું: ફરી યુનો પાસે માંગી મદદની ભીખ

રાજનાથનાં નિવેદનથી પાક. ફફડયું: ફરી યુનો પાસે માંગી મદદની ભીખ
કાશ્મીરની સ્થિતિ અંગે સમીક્ષા કરવાં અમિત શાહે ડોભાલ સાથે યોજી બેઠક
નવી દિલ્હી, તા. 19 : પહેલા પરમાણુ શત્રનાં પ્રથમ ઉપયોગ નિવારવાની નીતિ બદલવાની વાત કર્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હવે પછી પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે તો ફક્ત પાક. કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) વિશે જ થશે તેવી ભારતની દ્રઢતા દેખાડીને પાકિસ્તાનમાં ભૂકંપ સર્જી દીધો છે. રાજનાથ સિંહની આ ખુલ્લી ચેતવણીઓથી ફફડી ઉઠેલું પાકિસ્તાને ફરી એકવાર મદદની ભીખનો કટોરો લઈને સંયુક્તરાષ્ટ્ર સમક્ષ હાથ લંબાવ્યા છે. તો બીજીબાજુ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા બાદ કાશ્મીરમાં વાતાવરણ ડહોળવા માટેના પ્રયાસો કરી રહેલા દેશના આંતરિક અને બહારના તત્ત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાબા સહિત સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી હતી.
પાકિસ્તાનનાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આજે એક નિવેદન જારી કરીને સંયુક્તરાષ્ટ્રની સુરક્ષા પરિષદ પાસે મદદની પોકાર કરી હતી. આ સાથે જ ભારત ઉપર કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘનનાં હલકી કક્ષાનાં આરોપો પણ લગાવ્યા હતાં. તેણે સંયુક્તરાષ્ટ્રને કાશ્મીરની સ્થિતિ ઉપર નજર રાખવા માગ કરવાં સાથે ડાહી-ડાહી વાતો કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાન વાટાઘાટનું વિરોધી નથી પણ તેમાં ત્રાહિત પક્ષની સામેલગીરી જરૂરી છે. કાશ્મીર પ્રત્યે ભારત સરકાર નિર્દયતા દાખવતી હોવાનો આરોપ મૂકીને તેણે કહ્યું છે કે, વર્તમાન સંજોગોમાં વાટાઘાટો સંભવ નથી.
તો બીજીબાજુ અમિત શાહે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં એક તરફ પ્રતિબંધ દરમિયાન કાશ્મીરના લોકોની સગવડનું ખાસ ધ્યાન રાખવા કહેવામા આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓને કહેવામાં આવ્યું હતું કે, અફવાઓને બને તેટલી ઝડપથી કાઉન્ટર કરીને ચોકસાઈ વર્તવામાં આવે. આ સાથે કાશ્મીરના સામાન્ય લોકોને કોઈપણ જરૂરી સામાનની કમી ન પડે તેની સમીક્ષા થઈ હતી. કાશ્મીરની સ્થિતિને લઈને બોલાવવામાં આવેલા ઉચ્ચ સ્થરની બેઠકમાં અધિકારીઓ દ્વારા કાશ્મીરની સ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા
-----------
ટ્રમ્પ અને મોદી વચ્ચે લાંબી ટેલિફોનિક વાતચીત: પાક. ઉપર તાક્યું નિશાન
નવી દિલ્હી, તા. 19 :  જમ્મુ કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભર્યા માહોલ  વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન ઉપર લાંબી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના ક્ષેત્રમાં તનાવ ઉભો કરવાનો આરોપ મુક્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે ક્ષેત્રિય શાંતિ ઉપરાંત દ્વિપક્ષીય મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, અમુક નેતાઓ દ્વારા ભારત વિરૂદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો ક્ષેત્રિય શાંતિ માટે લાભકારી નથી. વધુમાં મોદીએ આતંક અને હિંસા મુક્ત વાતાવરણના નિર્માણ ઉપર ભાર મુક્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer