આર્થિક વૃદ્ધિ મોટી પ્રાથમિકતા: દાસ

આર્થિક વૃદ્ધિ મોટી પ્રાથમિકતા: દાસ
ફિક્કીના બેન્ક સંમેલનમાં રિઝર્વ બેન્ક ગવર્નર : બેન્કો મૂડી માટે સરકાર પર જ મદાર ન રાખે
મુંબઈ, તા. 19 : અર્થવ્યવસ્થામાં સુસ્તીના સંકેતો વચ્ચે રિઝર્વ બેન્ંકના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું છે કે આર્થિક વૃદ્ધિ વર્તમાન સમયની સૌથી મોટી પ્રાથમિકતા છે. દરેક નીતિ નિર્માતા આર્થિક વૃદ્ધિને લઈને ચિંતિત છે. સુસ્તીના સંકેત સાથે આશા કરતા ઓછી વૃદ્ધિ વૈશ્વિક નાણાકીય સ્થિરતા માટે પ્રમુખ જોખમ છે. ઉદ્યોગ મંડળ તરફથી આયોજીત વાર્ષિક બેન્કિંગ સંમેલનમાં આરબીઆઈ ગર્વનરે આર્થિક વૃદ્ધિમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કયામત અને નિરાશા કોઈ માટે ફાયદારૂપ નથી. વૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક નીતિ નિર્માતા  માટે ચિંતાનો વિષય છે.
શક્તિકાંત દાસે માન્યું હતું કે એનબીએફસી સંકટ, અમુક મહત્ત્વના ક્ષેત્રોમાં મૂડી ઉપલબ્ધતા અને નાણા નીતિનો ફાયદો ગ્રાહકને પહોંચાડવા તેમજ બેન્કિંગ સુધારથી કારોબારી સમૂદાય અને અર્થવ્યવસ્થાને અસર પહોંચે છે. દાસના કહેવા પ્રમાણે વૈશ્વિક બેન્કિંગ પ્રણાલી જોખમ સહન કરવા માટે તૈયાર થઈ રહી છે. આ સાથે નાણાકીય સ્થિરતા ઉપર નજર રાખવી પણ જરૂરી છે. કારણ કે તે એકમાત્ર દીર્ઘકાલિન વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકે છે. કાર્યક્રમમાં રિઝર્વ બેન્કના ગર્વનરે આશાથી ઓછી વૃદ્ધિ અને  આર્થિક સુસ્તીના સંકેતોને વૈશ્વિક નાણાકીય સ્થિરતા માટે જોખમરૂપ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, નાણાકીય સ્થિરતાની મુશ્કેલીઓને ચૂકવણા, લોન અને બહારની બજારોથી ઓવી કરી શકાય છે. આ સાથે દાસે એનપીએની સમસ્યાનો સામનો કરી રહેલી બેન્કોને કામકાજના સંચાલનમાં સુધાર કરવાનું આહ્વાન કર્યું હતું. શક્તિકાંત દાસે કહ્યું હતું કે, બેન્કોની મુખ્ય પરીક્ષા બજારમાંથી મૂડી મેળવવાની તેની ક્ષમતા છે. બેન્કને મૂડી માટે માત્ર સરકાર ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. આ સાથે શક્તિકાંત દાસે બેન્કિંગ વ્યવસ્થામાં લોન અને જમા ઉપર અપાતા વ્યાજદરોને કેન્દ્રીય બેન્કના રેપો રેટમાં થતા બદલાવ સાથે જોડવાની જરૂરિયાત ઉપર પણ ભાર મુક્યો હતો.

---------
કાશ્મીર પછી હવે મિશન અર્થતંત્ર !
સુસ્ત પડેલા અર્થતંત્રને ફરીથી પાટે લાવવા અનેક મોટી ઘોષણાઓની સંભાવના: નાના કરજદારોને અપાશે ઋણમુક્તિ : વિભિન્ન ક્ષેત્રો માટે રાહત પેકેજ પણ શક્ય
નવીદિલ્હી, તા.19: કાશ્મીર મોરચે આક્રમક અને ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી અર્થતંત્રની સુસ્તી ઉડાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમણે આના માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતનાં ટોચનાં અધિકારીઓ સાથે ગત સપ્તાહમાં જ બેઠક યોજી લીધી હતી અને જે તે ક્ષેત્રમાં પ્રવર્તતી મંદીમાંથી બહાર આવવા ક્ષેત્રવાર પગલાઓ અને રાહતોની વિચારણા કરવામાં આવી હતી. આમ ટૂંક સમયમાં જ મોટા રાહત પેકેજ જાહેર થવાની સંભાવના છે. તો બીજીબાજુ નાના અને કમજોર દેવાદારોને પણ મોટી રાહત આપવાની તૈયારીમાં છે. નાદારી સંહિતાની નવશરૂઆત જોગવાઈ હેઠળ સરકાર આવા કરજદારોને ઋણમાફી પણ જાહેર કરી શકે છે.
આવી કરજમાફીનો લાભ લેવા માગતા દેવાદારોની વાર્ષિક આવક 60000 રૂપિયાથી વધારે હોવી જોઇએ નહીં. લાભ લેવા માટે પણ કેટલીક શરતો રહેશે. આ દિશામાં સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી ચુકી છે. આ તમામ આઇબીસીના નવી સ્ટાર્ટ જોગવાઇ હેઠળ કરવામાં આવનાર છે. કોર્પોરેટ મામલાના સચિવ ઇન્જેતી શ્રીનિવાસે નિવેદન જારી કરીને કહ્યુ છે કે આર્થિક રીતે કમજોર વર્ગમાં આવનાર નાના દેવાદારોના દેવાને માફ કરવામાં આવનાર છે. તેમની દેવામાફી માટેની કેટેગરી નક્કી કરવા માટે સરકાર માઇક્રો ફાયનાન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યુ હતુ કે ઇડબલ્યુએસમાં સૌથી વધારે દેવામાં ડુબેલા લોકોને જ આ સ્કીમના લાભ મળી શકે છે. આ દેવામાફીમાં કેટલાક પ્રકારની  જોગવાઇ રહેલી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઇએ ફ્રેશ સ્ટાર્ટના લાભ લઇ લીધા છે તો આગામી પાંચ વર્ષ સુધી તે તેના લાભ મેળવી શકશે નહીં. દેશભરમાં પાંચ વર્ષમાં આ દેવામાફી 10000 કરોડથી વધારેની રહેશે નહીં. કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે જે પૈકી લાભાર્થી પર લોનની કુલ કિંમત 35000 રૂપિયા કરતા વધારે હોવી જોઇએ નહીં. લાભાર્થી પાસે પોતાના આવાસ પણ રહેવા જોઇએ નહીં.
આર્થિક મંદીના દોરમાં અર્થતંત્રને પાટા પર લાવવા માટે ટુંક સમયમાં જ મોટા આર્થિક નિર્ણય કરવામાં આવી શકે છે.  ખાસ કરીને ટેક્સમાં રાહત અને નોકરીને બચાવવાવાળા નિર્ણયોની શરૂઆત કોઇપણ સમયે થઇ શકે છે. એવા સંકેત મળી રહ્યા છે કે, ઇન્ડસ્ટ્રી પર છવાયેલા મંદીના વાદળોને દૂર કરવા વડાપ્રધાન નરેદ્ર મોદી પોતે દરમિયાનગીરી કરવાની યોજના ધરાવે છે. ઇન્ડસ્ટ્રી દ્વારા પેકેજની માંગણી કરવામાં આવી ચુકી છે પરંતુ આના કરતા પણ કેટલાક નવા પગલા લેવામાં આવી શકે છે. ટેક્સ સુધારાની  દિશામાં મોટી પહેલ કરવામાં આવી શકે છે. અન્ય ઉપાયોમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારાઓ સાથે થઇ શકે છે. લોકોની નોકરીને બચાવવા માટે સરકાર ઇન્ડસ્ટ્રીને હજુ સુધીના સૌથી ખાસ પેકેજની જાહેરાત કરી શકે છે. સામાન્ય લોકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને ટેક્સ રાહતો અપાશે. ઉદ્યોગોને પણ અલગ પેકેજ અપાશે. ખર્ચમાં જંગી કાપ મુકવામાં આવશે. ઇન્ડસ્ટ્રી જે બજેટ જોગવાઈને લઇને વાંધો છે તેને પણ દૂર કરવામાં આવી શકે છે.
સરકાર સૌથી પહેલા તો મંત્રીઓ અને અધિકારીઓને આપવામાં આવતી બિનજરૂરી સુવિધામાં બ્રેક મુકનાર છે. તેમના ખર્ચ પર બ્રેક મુકવામાં આવનાર છે. કટોકટીનો સામનો કરી રહેલા ઉદ્યોગોને કેટલાક પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે.
-------
આવકવેરાનાં સ્થાને આવશે ડીટીસી
સમિતિએ અહેવાલ સરકારને સુપરત કર્યો: ભલામણો જાહેર ન થતાં રહસ્ય ઘેરાયું
નવીદિલ્હી, તા.19: વડાપ્રધાન પદે પોતાનાં પ્રથમ કાર્યકાળમાં વેચાણવેરાનાં સ્થાને જીએસટી લાવીને પરોક્ષ કરવેરાનાં માળખામાં ધરમૂળથી પરિવર્તન કરનાર મોદી સરકાર હવે પ્રત્યક્ષ કરવેરામાં આવું જ આમૂલ પરિવર્તન કરવાની તૈયારીમાં છે. સીબીડીટીનાં સદસ્ય અખિલેશ રંજનનાં નેતૃત્વમાં બનેલી એક સમિતિએ આવકવેરા ધારાને પ્રત્યક્ષ કરસંહિતા (ડાયરેક્ટ ટેક્સ કોડ- ડીટીસી) દાખલ કરવા માટેનો અહેવાલ સરકારને સુપરત કરી દીધો છે. જો કે આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો હજી સુધી સાર્વજનિક બની નથી. એટલે ડીટીસીમાં કેવા સુધારા આવશે તે વિશે રહસ્ય ઘેરું બન્યું છે.
નાણામંત્રાલય દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. 31મી મે સુધી તેનો અહેવાલ સોંપવા માટે આ ટાસ્ક ફોર્સ અને કમિટિને કહેવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તેને વધુ બે મહિનાની મહેતલ આપી હતી. ત્યારબાદ સરકારે 16મી ઓગસ્ટ સુધી તેને અહેવાલ સુપ્રત કરવા માટે ટાસ્ક ફોર્સને કહ્યું હતું. આ બાબતને ધ્યાનમાં લઇને ટાસ્ક ફોર્સના નવા સભ્યોએ વધુ માહિતી આપવા માટે વધારે સમયની માગ કરી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નાણામંત્રાલય દ્વારા આની રચના કરી હતી. અરાવિંદ મોદી નિવૃત્ત થઇ ગયા બાદ ટાસ્ક ફોર્સના કન્વીનર તરીકે અખિલેશ રંજનની નિમણૂક કરવામાં આવી હતી. સમિતિના અન્ય સભ્યોમાં ગીરીશ આહૂજા, રાજીવ નેમાની, મુકેશ પટેલ, માનસી કડિયા, જીસી શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017માં ટેક્સ અધિકારીઓની વાર્ષિક બેઠકમાં ઠેરવ્યું હતું કે, ઇન્કમટેક્સ એક્ટ 1961 ખૂબ જૂના કાયદા તરીકે છે તેમાં ફરી ધ્યાન આપવાની જરૂર છે. અન્ય દેશોમાં પ્રવર્તી રહેલા કાયદાઓ અને ધારાધોરણને ધ્યાનમાં લઇને ડાયરેક્ટ ટેક્સ કાયદાના મુસદ્દાને તૈયાર કરવા માટે ટાસ્ક ફોર્સને કહેવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer