કુળદેવીના દર્શન કરવા જતા તળાજાના યુવકને બોલેરો ચાલકે અડફેટે લેતા મૃત્યુ

કુળદેવીના દર્શન કરવા જતા તળાજાના યુવકને બોલેરો ચાલકે અડફેટે લેતા મૃત્યુ
તળાજા, તા.19 : તળાજા કોદીયા ગામનો આહીર યુવાન સોમવારે સવારે રાળગોન ગામે આવેલા માતાજીના દર્શન કરવા પગપાળા જતો હતો. દુદાણા પાસે પુરપાટ ઝડપે આવેલી બોલેરો ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ ગંભીર ઇજાથી યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના કોદીયા ગામનો આહીર યુવાન દાદુ મસરિભાઇ ભાદરકા (ઉ.21) સમવારે સવારે રાળગોન ગામે રાળગોની માતાના મંદીરે દર્શન કરવા માટે પગપાળા જતો હતો. દુદાણા ગામ પાસે યુવાન ચાલીને જતો હતો તે અરસામાં કાળરૂપી જીજે-4એ ડબલ્યુ-1388 નંબરના બોલેરો ચાલક નાગજીભાઇએ યુવાનને હડફેટે લીધો હતો. જ્યાં ફંગોળાઇને પડેલા આહીર યુવાનનું ગંભીર ઇજાથી ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં દુદાણા ગામના સેવાભાવી ભક્તો તળાજા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. બોલેરો જીપના ગફલતના કારણે બે વર્ષના માસુમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવવી પડી હતી. તળાજા પોલીસ મથકના વિજય રાઠોડે જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી બોલેરો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer