જૂનાગઢ યાર્ડ સહિત સૌરાષ્ટ્રમાં 54 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

જૂનાગઢ યાર્ડ સહિત સૌરાષ્ટ્રમાં 54 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
4 વર્ષથી શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડયા’તા

જૂનાગઢ, તા.19: માર્કેટિંગ યાર્ડની 11 દુકાનો તથા કારખાનાઓ મળી સૌરાષ્ટ્રમાં 54 સ્થળોએ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી હતી.
પોલીસ માટે પડકારરૂપ માર્કેટિંગ યાર્ડની એક સાથે 11 દુકાનોના તાળાં તોડી રૂા.23.37 લાખના મુદ્દામાલની ચોરીના બનાવની જિલ્લા પોલીસ વડાએ ગંભીરતા લઇ આ ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એ-ડિવિઝન સહિત પાંચ ટીમોને કામે લગાડી હતી.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર.કે. ગોહિલ તથા ડીટેકશન સેલના પીએસઆઇ જલુને બાતમી મળેલ કે,  તસ્કરો માખિયાળાથી વડાલ મોબાઇક ઉપર જઇ રહ્યાં છે તેથી પોલીસની વિવિધ ટીમો વોચમાં ગોઠવાઇ હતી અને ત્યાં બાઇક ઉપર જેતપુરનો મુકેશ ઉર્ફે મુકો વલ્લભ રાજાણી અને ભરત બચુ સુરેલા શંકાસ્પદ હાલતમાં પસાર થતા અટકાવી તલાશી લેતાં ચોરાઉ મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ બન્ને શખસોને જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ જૂનાગઢ યાર્ડની ચોરીની કબૂલાત આપી હતી. આ શખસો પાસેથી પોલીસે રોકડ તથા દાગીના મળી કુલ રૂા.12 લાખ 31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે પત્રકારોને જણાવ્યું કે, ઝડપાયેલા બન્ને શખસોની પૂછપરછ કરતાં આ ચોરીમાં મજેવડીનો સોમા ઉર્ફે સોમલ ઉર્ફે ભોજો ભાણજી પરમારની સંડોવણી હોવાનું જણાવતાં પોલીસે તેને તેના ઘરેથી ઉઠાવી ધરપકડ કરી હતી.
આ ત્રિપુટી જુગાર અને દારૂની ટેવવાળા હોય તેથી પોતાના શોખ પૂરા કરવા છેલ્લા ચાર વર્ષથી ચોરીના  રવાડે ચડયા હતાં. આ ત્રિપુટી સૌ પ્રથમ સર્વે કરી બાદમાં જવા-આવવાના માર્ગમાં સલામતીનો અભ્યાસ બાદ હાથ અજમાવે છે.
આ તસ્કર ત્રિપુટીએ છેલ્લા ચાર વર્ષમાં જૂનાગઢમાં 21, રાજકોટ ગ્રામ્યમાં 26, મોરબીમાં 2, જામનગરમાં 3 અને રાજકોટ શહેરમાં 2 ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer