‘પાનીપત’ માટે મહેનત કરી રહ્યો છે અર્જુન કપૂર

આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતમાં અર્જુન કપૂર તેના મિત્ર રણવીર સિંહના ભત્રીજાની ભૂમિકા ભજવી રહ્યો છે. વાંચીને નવાઇ લાગી ને! સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ પેશવામાં રણવીર સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જયારે પાનીપતમાં અર્જુન બાજીરાવ પશવાના ભત્રીજા સદાશિવ રાવ ભાઉનું પાત્ર ભજવી રહ્યો છે. રણવીરે તો બાજીરાવ પેશવા ફિલ્મમાં મરાઠી લઢણ સાથે સંવાદ બોલ્યો હતો. પરંતુ અર્જુન આમાં થોડો પાછો પડે છે એટલે તે દિગ્દર્શક આશુતોષ પાસેથી આ માટે માર્ગદર્શન મેળવી રહ્યો છે. ફિલ્મના ડબિંગ માટે અર્જુન આવ્યો ત્યારે આશુતોષે ઉચ્ચારોમાં થતી તેની ભૂલને સુધારવાનું સમજાવ્યું હતું. આમ તો અર્જુન મૂળ મુંબઈનો છે એટલે તેને મરાઠી બોલતા આવડે છે. છતાં ફિલ્મમાં સંવાદોમાં જે કડક છાપ ઉપસવી જોઈએ તે માટે આશુતોષે તેને કઈ રીતે બોલવું તે શીખવ્યું હતું. પાનીપત ફિલ્મ અર્જુનની પ્રથમ ઐતિહાસિક ફિલ્મ છે. આથી તે ફિલ્મની ભૂમિકા અસરકારક લાગે તે માટે અત્યંત ગંભીર છે અને ભારે મહેનત કરી રહ્યો છે. તેની સાથે સંજય દત્ત છે જે અફઘાન રાજા અહમદ ખાન અબદાલીનું પાત્ર ભજવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer