જામજોધપુરની સગીરાને અપહરણ પછી વેંચી નખાઇ: 3ની ધરપકડ

4 વરસ પહેલાના બનાવમાં સગીરા કુંવારી માતા બની ગઇ છે

જામનગર, તા.19 :  જામજોધપુરની સગીરાના ચાર વર્ષ પહેલાના અપહરણના ગુનામાં પકડાયેલા આરોપીએ  સગીરાને 90 હજાર રૂપિયામાં બે દલાલો મારફત વાંકાનેરમાં વેંચી નાખ્યાનું કબૂલતા સન્નાટો છવાયો છે.
સગીરા હાલ એક સંતાનની માતા બની ગઈ હોવાથી વાંકાનેરના શખસ સામે બળાત્કારનો ગુનો પણ નોંધાયો છે. જામજોધપુર પંથકમાં વર્ષ 2016માં આ  સગીરાનું અપહરણ થયું હતું તે અંગે નાસતા ફરતા આરોપી પ્રવીણ દુમાડિયાને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તાજેતરમાં પકડી પાડયો હતો. જામજોધપુર પોલીસ દ્વારા આરોપી પ્રવીણની પૂછપરછ કરાતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે સગીરાનું અપહરણ કર્યા પછી રાજકોટના વિરજીભાઈ દાનાભાઈ જાંબુકીયા તેમજ વાંકાનેર તાલુકાના સેખરડી ગામના સુરેશભાઈ ચનાભાઈ મકવાણા નામના બે દલાલોની મદદથી સેખરડી ગામના જ નવઘણ દેવરાજભાઈ મકવાણાને 90 હજાર રૂપિયામાં વેંચી નાખ્યાની કબૂલાત આપી હતી. જેથી જામજોધપુર પોલીસની એક ટૂકડી રાજકોટ અને વાંકાનેરના સેખરડી ગામે તપાસ માટે પહોંચી હતી. રાજકોટમાંથી આરોપી વિરજીભાઈ તેમજ
સેખરડી ગામમાંથી સુરેશ મકવાણા તેમજ નવઘણ મકવાણાને પકડી પાડયાં હતાં અને જામજોધપુર લઈ ગયા હતાં.
નવઘણની સાથે સગીરા પણ મળી આવી હતી.તે હાલ એક સંતાનની માતા બની ચૂકી છે. પોલીસ દ્વારા નવઘણની પૂછપરછ દરમિયાન તેણે સગીરા સાથે દુષ્કર્મ આચરી પોતાની સાથે જ રાખતો હતો.જેના કારણે તે ગર્ભવતી બની હતી અને એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. સગીરા અને બાળકનો પોલીસે કબજો સંભાળી જામજોધપુરમાં રહેતા તેના માતા-પિતાને સુપરત કરી દીધી છે.પકડાયેલા આરોપીઓ સામે સગીરાને ખરીદવા તેમજ વેંચવા ઉપરાંત સગીરાને ગર્ભવતી બનાવી કુંવારી માતા બનાવવા અંગે તેમજ પોકસો એકટની કલમ મુજબ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમામ આરોપીઓને જેલમાં મોકલી અપાયાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer