મોરબીના સિરામિકના વેપારી સાથે રૂ. 13.60 કરોડની ઠગાઇ

કરોડોનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી અને ઈંઅજમાં પાસ થતા પૈસાની જરૂર હોવાનું કહી છેતરપિંડી આચર્યાની તબીબ સહિત 4 સામે ફરિયાદ

મોરબી, તા. 19: અહીંના સિરામિકના વેપારી સાથે રૂ. રૂ. 13.60 કરોડની ઠગાઈ થઈ હતી. આઇએએસની પરીક્ષામાં પાસ થઈ ગયાનું અને કરોડોના કોન્ટ્રાક્ટ અપાવી દેવાની લાલચ આપીને વેપારી સાથે છેતરપિંડી કરવા અંગે શુભ ડેન્ટલ ક્લિનિક નામનું દવાખાનું ધરાવતા ડો. વસંત કેશુભાઇ ભોજવિયા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ થઈ છે.
આ અંગે ઉમિયાનગરમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ નાથાભાઇ ગોપાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ ખાંખરેચીના વતની શુભ ડેન્ટલ ક્લિનિકવાળા ડો. વસંત કેશુભાઇ ભોજવિયા, મૂળ ગોંડલના જેપુરના વતની અને હાલ દિલ્હીમાં રહેતા પ્રદીપકુમાર કારેલિયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, ફાઇનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ, રચનાસિંઘ વગેરેનાં નામ આપ્યાં હતાં.
ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, વિજયભાઇ ગોપાણીની ઓળખાણ ડો. વસંત ભોજવિયા સાથે થઈ હતી. આ ઓળખાણ દરમિયાન તબીબ ભોજવિયાએ આઇએએસ (કલેક્ટર)ની પરીક્ષામાં પાસ થઈ ગયાની અને પૈસાની જરૂરિયાત હોવાની વાત કરી હતી. પ્રદીપકુમાર કારેલિયાની ઓળખ સસરા તરીકે આપી હતી અને રૂ. 30 લાખ રોકડા મેળવી લીધા હતા. બાદમાં ડો. ભોજવિયા અને પ્રદીપકુમારે વેપારી વિજયભાઈને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી રૂ. 800થી 1000 કરોડનો દસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં પણ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનાં નામે અશોક સ્થંભના નિશાન સાથેના બોગસ લેટર પેડ બનાવીને સીપ્રા સિરામિક પ્રાઇવેટ લિમિટેડ મોરબીનાં નામે એગ્રિમેન્ટ તૈયાર કરાવીને તા. 15-8-18થી આજ દિવસ સુધીમાં સિરામિક ઉદ્યોગવાળા વિજયભાઇ ગોપાણી પાસેથી તબીબ ભોજવિયા, પ્રદીપકુમાર, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, રચનાસિંથ વગેરેએ રૂ. 13.60 કરોડ મેળવી લીધા હતા. તબીબ ભોજવિયાએ ફાઇનાન્સના અધિકારી તરીકે જે વ્યક્તિની ઓળખ આપી હતી તે વ્યક્તિએ રૂ. 380 કરોડનો ડી.ડી. વિજયભાઇને બતાવીને વિશ્વાસમાં લીધા હતા. રચનાસિંઘની ઓળખ એસબીઆઇના કર્મચારી તરીકે આપની ડી.ડી. કન્ફર્મેશન આપી હતી તેમજ ડો. ભોજવિયાએ રૂ. 900ના ડીડીને રૂ. 9 કરોડ બતાવ્યા હતા. આ રીતે સિરામિક યુનિટવાળા વિજયભાઇ ગોપાણી સાથે રૂ. 13.60 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તબીબ સહિત ચારેયને ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer