ચિદમ્બરમની 23મીએ પૂછપરછ કરશે ઇડી

ચિદમ્બરમની 23મીએ પૂછપરછ કરશે ઇડી
કરોડોના એવિએશન કૌભાંડમાં કાર્યવાહી
 આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 19 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ કેસની તપાસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. યુપીએની સરકાર વખતે કહેવાતા મલ્ટિ કરોડ એવિએશન સ્કેમ અને આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ માટે એર સ્લોટ નક્કી કરવામાં ગેરરીતિઓને કારણે ઍર ઇન્ડિયાને થયેલી ખોટ સંબંધમાં આ કેસ  ચાલે છે.  કૉંગ્રેસના આ નેતાની ઈડી દ્વારા મની લોન્ડરિંગના બે અલગ અલગ કેસ એરસેલ મેકસીસ અને આઈએનએક્સ મીડિયામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ચિદમ્બરમે તાજેતરમાં કેટલાક મુદ્દે વડા પ્રધાન મોદીના સ્વાતંત્ર્ય દિનના પ્રવચનની પ્રશંસા કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચિદમ્બરમને આ મહિનાની 23 તારીખના નવી દિલ્હીની એન્ફોર્સમેન્ટ અૉફિસ ખાતે આ કેસ સંબંધમાં તપાસકર્તા અધિકારી પાસે હાજર થવાનો અને પોતાનું નિવેદન નોંધાવવાનું જણાવવામાં આવ્યું છે.
કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસન દરમિયાન ઍર ઇન્ડિયા માટે વિમાન ખરીદી સંબંધમાં ચિદમ્બરમને સમન્સ પાઠવવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ચિદમ્બરમે આ બાબતમાં કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ચિદમ્બરમની આગેવાની હેઠળના એમ્પાવર્ડ ગ્રુપ અૉફ મિનિસ્ટર્સ દ્વારા ખરીદીનો અૉર્ડર મંજૂર કરવામાં આવ્યો હતો એવા તત્કાલીન નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન પ્રફુલ્લ પટેલના દાવાના આધારે 23 અૉગસ્ટના ચિદમ્બરમની પૂછપરછ કરવામાં આવશે. આ કેસ ઍરબસ અને બોઇંગ પાસેથી 2007માં વિમાનોની ખરીદીને લગતો છે. ડિસેમ્બર 2005માં મનમોહન સિંઘ કેબિનેટે ઍર ઇન્ડિયા દ્વારા બોઇંગ કંપની પાસેથી 68 વિમાનોની ખરીદીને મંજૂર કરી હતી, એક વર્ષ બાદ ઇન્ડિયન ઍરલાઇન્સે ઍરબસ એસઈ પાસેથી 43 વિમાનોની ખરીદી માટે સહીસિક્કા કર્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મે 2017માં સીબીઆઈએ કહેવાતી ગેરરીતિ બદલ ત્રણ કેસ નોંધ્યા હતા અને પ્રાથમિક તપાસનો આદેશ આપ્યો હતો. ‘કોઈપણ જાતની વિચારણા’ વિના વિમાનોને લીઝ પર આપ્યાના આરોપોની એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસોમાં મની લોન્ડરિંગના આરોપો સંબંધમાં સીબીઆઈની એફઆઈઆરની નોંધ લીધી છે. એજન્સીએ પ્રફુલ્લ પટેલની નિકટતાનો ઉપયોગ કરીને ત્રણ આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સોને નફાકારક ઍર ટ્રાફિક અધિકારો મેળવવાના આરોપ પર કૉર્પોરેટ લોબીઇસ્ટ દીપક તલવારની ધરપડક કરી હતી.એજન્સીએ આ સંબંધમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે.
 
IL&FS : રાજ ઠાકરે, મનોહર જોશીના પુત્રને ઈડીનું તેડું
નવી દિલ્હી, તા.19 : આઈએલ એન્ડ એફએસ કૌભાંડમાં તપાસ માટે મનસે પ્રમુખ રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીના તેડાં બાદ ઉન્મેશ જોશીએ સોમવારે મુંબઈમાં કેન્દ્રીય એજન્સી સમક્ષ નિવેદન આપ્યા હતા. જેમાં ઉન્મેશ જોશીનું નિવેદન પીએમએલએ હેઠળ નોંધવામાં આવ્યું હતું. જ્યારે રાજ ઠાકરેને 22 ઓગષ્ટના તપાસ અધિકારી સામે હાજર થવા કહેવામાં આવ્યું છે. ઈડીના અધિકારીઓના કહેવા પ્રમાણે મનસે પ્રમુખ રાજ ઠાકરેને 22 ઓગષ્ટ સુધીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાની નોટિસ જારી કરવામાં આવી હતી.
 
 આ નોટિસને મનસે તરફથી રાજકીય પ્રતિશોધ ઠેરવવામાં આવી હતી.  મનસે તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લોકસભા ચૂંટણીની શરૂઆતે રાજ ઠાકરેએ સનસની ફેલાવી હતી અને લોકોનું ધ્યાન તેમના ઉપર પડયું હતું. હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આવી રહી હોવાથી રાજ ઠાકરેને ઈડી દ્વારા નોટિસ આપવામાં આવી છે. આઈએલ એન્ડ એફએસ સમૂહના કરજ સંદર્ભે ઉન્મેશ જોશી દ્વારા પ્રમોટેડ કંપની કોહિનૂર સીટીએનએલના શેરોમાં રોકાણ મામલે ઠાકરેની સંડોવણી અંગે તપાસ થઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer