અનામતના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે વાતચીત થવી જોઈએ: ભાગવત

અનામતના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે વાતચીત થવી જોઈએ: ભાગવત
નવી દિલ્હી, તા. 19 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે આજે ફરી એકવાર અનામતને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું જેની રાજધાની દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં જોરદાર પ્રતિક્રિયા અપાઈ હતી. ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે, જે લોકો અનામતના પક્ષમાં છે અને જેઓ વિરોધમાં છે તેમની વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત થવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ અનામત વિષે તેઓ બોલ્યા હતા અને હોબાળો મચી ગયો હતો તથા સંપૂર્ણ ચર્ચા વાસ્તવિક મુદ્દાથી દૂર જતી રહી હતી.
ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે, અનામતનો પક્ષ લેનારાઓએ એ લોકોનાં હિતોને ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ જેઓ તેની વિરુદ્ધમાં છે. એવી જ રીતે તેનો વિરોધ કરનારાઓએ તેનું સમર્થન કરનારાઓનાં હિતોને ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, અનામત પરની ચર્ચા હંમેશાં ઉગ્ર બની જાય છે જોકે, આ દૃષ્ટિકોણ પર સમાજના વિવિધ વર્ગોમાં સામંજસ્ય જરૂરી છે. ડૉ. ભાગવત અત્રે રવિવારે જ્ઞાન ઉત્સવના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા. અગાઉ આરએસએસ પ્રમુખ ભાગવતે અનામત નીતિની સમીક્ષા કરવાની હિમાયત કરી હતી જેના પર અનેક રાજકીય પક્ષો અને જાતિ સમૂહોની ઉગ્ર પ્રતિક્રિયા આવી હતી.
ભાગવતે જણાવ્યું હતું કે, આરએસએસ, ભાજપ અને તેના નેતૃત્વવાળી સરકાર ત્રણે અલગ અલગ એકમો છે અને કોઈને અન્યના કાર્ય માટે જવાબદાર ઠરાવી શકાય નહિ.
મોદી સરકાર પર સંઘના પ્રભાવની ધારણા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને તેની સરકારમાં સંઘના કાર્યકર્તાઓ છે તેઓ આરએસએસનું સાંભળશે પરંતુ અમારી સાથે તેઓ સહમત થાય એ જરૂરી નથી તેઓ સહમત પણ થઈ શકે છે.
સંઘ અનામત વિરોધી માનસિકતા ત્યાગે: માયાવતી
ભાગવતના નિવેદનની પ્રતિક્રિયા આપતા માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અનામત મુદ્દે વાતચીતની કોઈ જરૂરીયાત નથી. આરએસએસએ અનામત વિરોધી માનસીકતાનો ત્યાગ કરવો જોઈએ. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્ગું હતું કે, ગરીબોના અધિકાર ઉપર હુમલો, બંધારણીય અધિકારો ઉપર હુમલો કરવો એ ભાજપનો એજન્ડા છે. ભાગવતના નિવેદનથી આરએસએસ અને ભાજપનો દલિત, પછાત વર્ગ વિરોધી ચહેરો ઉજાગર થયો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer