ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ : પુરુષ હોકી ટીમનો ન્યુઝીલેન્ડ સામે 1-2થી પરાજય

ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ : પુરુષ હોકી ટીમનો ન્યુઝીલેન્ડ સામે 1-2થી પરાજય
ટોકિયો, તા.19: ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં પાંચમા ક્રમની ભારતીય પુરુષ હોકી ટીમને તેના બીજા મેચમાં આઠમા નંબરની ન્યુઝીલેન્ડ સામે 1-2થી આંચકારૂપ હાર મળી છે. ભારતીય ટીમે પહેલા મેચમાં મલેશિયાને 6-0થી સજ્જડ હાર આપી હતી. ગઇકાલે રમાયેલા બીજા મેચમાં ડ્રેગ ફિલ્કર હરમનપ્રિત સિંહે બીજી મિનિટે જ પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. આ પછી ભારતે સતત ત્રણ કવાર્ટર સુધી આ સરસાઇ જાળવી રાખી હતી, પણ અંતિમ કવાર્ટરમાં ન્યુઝીલેન્ડની ટીમે જોરદાર વાપસી કરીને બે ગોલ કરીને ભારતને 2-1થી હાર આપી હતી. કિવિ ટીમ તરફથી સ્મિથે પહેલો ગોલ મેચની 47મી મિનિટે કર્યોં હતો. જ્યારે સેલ લેન મેચની અંતિમ ક્ષણોમાં 60મી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમનો ડ્રોનો મોકો છીનવી લીધો હતો. આ હાર બાદ ભારતીય પુરુષ હોકી ટીમ પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. હવે ત્રીજો અને આખરી લીગ મેચ મંગળવારે જાપાન સામે
રમવાનો છે.
--------
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રણિત અને પ્રણોય બીજા રાઉન્ડમાં
બાસેલ (સ્વિત્ઝરલેન્ડ) તા.19: બીડબલ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના બી. સાઇ પ્રણિત અને એચએસ પ્રણોય બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. 16મા ક્રમના પ્રણિતે પહેલા રાઉન્ડમાં કેનેડાના ખેલાડી જેસન એન્થનીને 21-17 અને 21-16થી 39 મિનિટની રમતમાં હાર આપી હતી. જયારે એચએસ પ્રણોયે ફિનલેન્ડના ખેલાડી ઇતુ હેનોને રસાકસી બાદ પ9 મિનિટની રમતના અંતે 17-21,21-10 અને 21-11થી હાર આપી હતી. મહિલા સિંગલ્સમાં સ્ટાર પીવી સિંધુ અને સાઇના નેહવાલે આવતીકાલે તેમના અભિયાનનો પ્રારંભ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer