સ્મિથ સડસડાટ : ટેસ્ટ ક્રમાંકમાં બીજા સ્થાને

સ્મિથ સડસડાટ : ટેસ્ટ ક્રમાંકમાં બીજા સ્થાને
ટોચના સ્થાન પરના કોહલીથી ફક્ત 9 પોઇન્ટ દૂર
દુબઇ તા.19: ઓસ્ટ્રેલિયાના ઇન ફોર્મ બેટસમેન સ્ટીવન સ્મિથે આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ન્યુઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમ્સનને પાછળ રાખીને બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. હવે તે ટોચના સ્થાન પરના ભારતીય સુકાની વિરાટ કોહલીથી ફકત 9 પોઇન્ટ જ પાછળ છે. કોહલીના 922 રેટિંગ છે અને ટોચ પર યથાવત છે. એશિઝ સિરિઝના પહેલા ટેસ્ટના બન્ને દાવમાં સદી કરનાર સ્મિથે લોર્ડસ ટેસ્ટના પહેલા દાવમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં હવે 913 રેટિંગ છે અને બીજા નંબર પર પહોંચ્યો છે. ટોચના 10 બેટધરોની સૂચિમાં ચેતેશ્વર પુજારા ચોથા સ્થાને છે.
લંકન કેપ્ટન દિમૂથ કરૂણારત્ને ન્યુઝીલેન્ડ સામેના પહેલા ટેસ્ટની સદીને લીધે ચાર સ્થાનના ફાયદાથી 8મા ક્રમે પહોંચ્યો છે. દ. આફ્રિકાનો એડન માર્કરમ છ નંબર પર છે. ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ખરાબ ફોર્મને લીધે નવમા સ્થાને આવી ગયો છે.
બોલરોની સૂચિમાં કાંગારૂ ઝડપી બોલર પેટ કમિન્સ ટોચ પર યથાવત છે. જયારે રવિન્દ્ર જાડેજા પાંચમા નંબર પર છે. તેનો સાથીદાર અશ્વિન 10મા ક્રમે છે. જાડેજા ઓલરાઉન્ડરોની સૂચિમાં પાંચમા નંબર પર છે. જેમાં જેસન હોલ્ડર પહેલા અને શકિબ અલ હસન બીજા
સ્થાને છે.
ટેસ્ટ ટીમ ક્રમાંકમાં જો ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી 0-1થી હારી જશે તો તેનું ટોચનું સ્થાન ગુમાવવું પડશે. ભારતીય ટીમ હાલ 113 પોઇન્ટ સાથે ટોચ પર છે. એ પછી ન્યુઝીલેન્ડના 111 અને દ. આફ્રિકાના 108 પોઇન્ટ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer