સેલરનું પાણી છોડનારા બિલ્ડરો સામે કાર્યવાહી : 11 પમ્પ સીઝ

સેલરનું પાણી છોડનારા બિલ્ડરો સામે કાર્યવાહી : 11 પમ્પ સીઝ
મીત બિલ્ડર, બોમ્બે હાઈટ્સ, ઈમ્પિરીયલ હાઈટ્સ વગેરે સામે મનપાની લાલ આંખ
રાજકોટ તા.13 : શહેરના જાહેર માર્ગો પર બેરોકટોક પાણીનો નિકાલ કરતાં 11 બિલ્ડીંગના પમ્પ આજરોજ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીના આદેશથી સીઝ કરી દેવામાં આવ્યાં હતાં. સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 8 બિલ્ડીંગ, વેસ્ટ ઝોનમાં બે તથા ઈસ્ટ ઝોનમાં 1 બિલ્ડીંગમાંથી પમ્પ સીઝ કરવામાં આવ્યો છે.
શહેરમાં તાજેતરમાં 30 કલાકમાં પડેલા 18 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયાં હતાં. ગત રવિવારથી વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ અનેક કોમ્પલેક્સના સેલર અને બાંધકામ સાઈટોના ખાડામાં પાણી ભરાઈ ગયા હોય તે દૂર કરવા માટે કોર્પોરેશને બહાર પાડેલા જાહેરનામાનો છડેચોક ભંગ કરીને હાલ પ્રાઈવેટ પમ્પ મુકીને ડી-વોટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પાણી રસ્તાઓ પર ફરી વળતાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ અંગે તંત્રને ફરિયાદો મળતાં હવે કોર્પોરેશન દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીનો દોર શરૂ
કરવામાં આવ્યો છે.
દરમિયાન આજરોજ મ્યુનિ.કમિશનર પાનીના આદેશથી સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.14માં ગીતાનગર-6માં મીત બિલ્ડર્સની બાંધકામ સાઈટ, વોર્ડ નં.7માં ડો.યાજ્ઞિક રોડ પર કોટક મહિન્દ્રા બેન્કવાળું બિલ્ડિંગ તેમજ બાજુમાં આવેલું ઓપ્શન શો-રૂમ બિલ્ડિગ, એજીએમ જીમવાળું બિલ્ડિંગ, ટાગોર રોડ પર ડો.આશિષ વેકરીયાની હોસ્પિટલવાળું બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોકમાં નચિકેતાની બાજુમાં મારૂતિ મેનોર કોમ્પલેક્સ, ભાલોડીયા સ્કૂલ સામે હરિપેલેસવાળું બિલ્ડિંગ, ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.5માં રણછોડનગર શેરી નં.10માં આવેલું બોમ્બે હાઈટસ બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઈટ, વેસ્ટ ઝોનમાં ઓસ્કાર ટાવરની બાજુમાં એસ.આર. ડેવલપરની સાઈટ તેમજ 150 ફૂટ રિગરોડ પર બીગબજારની સામેના ભાગે આવેલ ઈમ્પીરીયલ હાઈટસ કોમ્પલેક્સ સહિતના 11 સ્થળોએ ડી-વોટરિંગ પમ્પ સીઝ કરવામાં આવ્યા હતા.
સેલરમાંથી પાણી કાઢતી વખતે વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ
રાજકોટ, તા. 13:ડૉ. યાજ્ઞિક રોડ પર સ્વામિવિવેકાનંદની પ્રતિમા પાસેના બિલ્ડીંગના સેલરમાંથી પાણી કાઢતી વખતે વીજ શોક લાગવાથી 25 વર્ષના અશોક ઓમકારભાઇ યાદવ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. ગોડાઉન રોડ પર રહેતો મૂળ યુપીનો વતની અને ત્રણ માસ પહેલા પરણેલો આ યુવાન ડૉ. યાજ્ઞિક રોડ પર શ્રી ચાઇનીઝ-પંજાબી નામની દુકાનમાં નોકરી કરતો હતો. દુકાનના સેલરમાં પાણી ભરાયું હોય તે કાઢવા માટે ઇલેકટ્રીક મોટર ચાલુ કરતા તેને વીજઆંચકો લાગ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer