આંગડિયા પેઢીના નામે વેપારીઓ સાથે ઠગાઇ કરનાર બે શખસ પકડાયાં: પાંચ લાખ કબજે

આંગડિયા પેઢીના નામે વેપારીઓ સાથે ઠગાઇ કરનાર બે શખસ પકડાયાં: પાંચ લાખ કબજે
મોરબીના અમરાપર અને થરાદની ત્રિપુટીએ છ વેપારી સાથે રૂ. 17 લાખની વધુની છેતરપિંડી કરી’તી: એક શખસની શોધ
રાજકોટ, તા. 13:  આંગડિયા પેઢીના નામે રાજકોટ શહેરના છથી વધુ વેપારી સાથે રૂ. 17 લાખથી વધુની ઠગાઇ કરવા અંગે મોરબીના અમરાપર ગામના ઇસ્માઇલ  દાઉદભાઇ રતનિયા અને અનવર ગફારભાઇ ખલીફાને પોલીસે ઝડપી લીધા હતાં. જયારે થરાદના મુસ્તુફા ઉર્ફે મુન્ના હશનભાઇ ધાંચીની શોધ આદરી હતી.
શહેરમાં આંગડિયા પેઢીના નામે વેપારીઓનો સંપર્ક કરીને આંગડિયા મારફતે મોકલવાના નાણા અને દાગીના લઇને ટોળકી પલાયન થઇ જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન કારખાનેદાર સાથે આંગડિયા પેઢીના નામે રૂ. 5.50 લાખની ઠગાઇ થયાનું ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદો અંગે ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા અને ઇન્સ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. ડી.પી. ઉનડકટ અને તેમના મદદનીશો જગમાલ ખટાણા, ભરતભાઇ વનાણી, સંતોષ મોરી, મયુર પટેલ અને સંજય રૂપાપરા વગેરેએ ચોકકસ બાતમીના આધારે કાલાવડ રોડ પરના ઇસ્કોન મંદિર પાછળથી બે શખસને ઝડપી લીધા હતાં. આ બન્ને શખસે તેના નામ ઇસ્માઇલ દાઉદભાઇ રતનિયા અને અનવર ગફારભાઇ ખલીફા હોવાનું અને  બન્ને મોરબીના ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા હોવાનું જણાવ્યું હતું.આ બન્ને પાસેથી રૂ. પાંચ લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. પોલીસની પુછપરછ અને તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, થરાદમાં રહેતો મુસ્તુફા ઉર્ફે મુન્નો ઘાંચી શહેરના વેપારી અને પેઢીના નામ, સરનામા, મોબાઇલ ફોન મેળવી લેતો હતો. બાદમાં જાણીતી આંગડિયા પેઢીના નામે ડમી સીમકાર્ડવાળા ફોનમાંથી ફોન વેપારીને ફોન કરતો હતો.
વેપારીને વિશ્વાસમાં લઇને અન્ય સ્થળે મોકલવાની રોકડ  રકમ ઇસ્માઇલ અને અનવર મારફતે મેળવી લેતો હતો. મળેલી રકમમાંથી એ બન્નેને 25 ટકા જેટલી રકમ આપતો હતો. બાકીની તે રાખતો હતો. આ રીતે રાજકોટના મોરબી રોડ જકાત નાકા, ગોંડલ રોડ પર રીયો ગ્લાસ, મોરબી સોનીબજારમાં અમૃત જ્વેલર્સ, રજપુતપરામાં વિવેકભાઇ ચૌહાણ, રૂદ્ર ઇન્ડસ્ટ્રીઝવાળા ધનજીભાઇ પટેલ અને ભાવનગરના લાતી પ્લોટના વેપારી સાથે રૂ. 17 લાખથી વધુની રકમ મેળવી લઇને ઓળવી ગયાનું ખુલ્યું હતું. પોલીસે થરાદના મુસ્તુફાને ઝડપી લેવા અને તેની પાસેથી અમૃત જ્વેલર્સવાળા અંદાજે બે કિલો જેટલા સોનાના દાગીના અને સવા કિલો જેટલા ચાંદીના દાગીના કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer