મ્યુનિ.બોર્ડમાં પ્રજાકીય પ્રશ્નો ચર્ચાશે ખરા ?

મ્યુનિ.બોર્ડમાં પ્રજાકીય પ્રશ્નો ચર્ચાશે ખરા ?
જનરલ બોર્ડ પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપતું પ્લેટફોર્મ નહીં પરંતુ કોર્પોરેટરો માટે ફોટોસેશનનો જાણે એક સ્ટુડિયો બની ચૂક્યું છે: પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા માટે જે રીતે લોકસભાને લંબાવાય છે તે રીતે બોર્ડને કેમ નહીં ?
વરસાદ પછીની શહેરની સ્થિતિ અંગે વિપક્ષે પૂછેલા સવાલનો જવાબ આપવાને બદલે ‘ખાખી’નો સહારો લેનારા શાસકો ખરેખર શું ઈચ્છે છે ?
જનકસિંહ ઝાલા
રાજકોટ તા.13 : મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ફરી એક વખત શાસક-વિપક્ષના નગરસેવકો વચ્ચેના રાજકીય ઘમસાણ તેમજ આરોપ-પ્રત્યારોપના કારણે પ્રજાજનોને સ્પર્શતી બાબતનો છેદ ઉડી ગયો છે.
રાજકોટમાં તાજેતરમાં 30 કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ વરસ્યો અને હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી, રસ્તાઓમાં મસમોટા ખાડાઓ, ઉભરાતી ગટરોના લીધે ફેલાતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે એ જનતા વતી બોર્ડમાં વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો તો સ્વાભાવિક રીતે જ આ મુદ્દે તંદુરસ્ત ચર્ચા થવી જોઈતી હતી પરંતુ શાસકોએ ચાલુ બેઠકે ‘ખાખી’નો સહારો લઈને તમામ કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને હાંકી કાઢતાં શું આને લોકશાહીનું ચિરહરણ ન કહી શકાય ?  તેવા અનેક સવાલો ઉભા થયાં છે.
કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકોના પ્રશ્નોને સેક્રેટરી શાખામાં ચિઠ્ઠી દ્વારા ડ્રો કરીને પ્રાધાન્ય આપવામાં આવે છે. ચિઠ્ઠીમાં જેનું પહેલું નામ નિકળે તે નગરસેવકનો પ્રશ્ન બોર્ડમાં પ્રથમ ચર્ચામાં લેવાય છે અને એકાદ-બે પ્રશ્નોની ચર્ચામાં જ બોર્ડનો સમય પૂર્ણ થઈ જાય છે. ડ્રો સિસ્ટમની આ નવી પદ્ધતિથી ચોક્કસ અમુક અંશે કોર્પોરેટરો વચ્ચેના વાદ-વિવાદોનો અંત આવ્યો છે પરંતુ ક્યારેક આ પદ્ધતિ જ પ્રજાજનોને સ્પર્શતા મહત્વપૂર્ણ પ્રશ્નોને હાંસિયે ધકેલી દે છે.
માન્યું કે, જેનો પ્રથમ પ્રશ્ન આવ્યો તે પહેલા ચર્ચામાં મૂકાય પરંતુ ક્યારેક કોઈ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈને તેને પ્રાયોરિટી શા માટે ન આપી શકાય ? અને ખરેખર આ નિયમને વળગી જ રહેવું હોય તો જે રીતે લોકસભાને લંબાવવામાં આવે છે તે રીતે જનરલ બોર્ડ બેઠકનો સમય શા માટે લંબાવી ન શકાય ? ભૂતકાળમાં મનપાની જનરલ બોર્ડ એકથી વધુ કલાક સુધી લંબાવવામાં આવી હોવાના અનેક દાખલા છે.
ખરેખર તો ક્યાંકને ક્યાંક જનરલ બોર્ડ નગરસેવકો માટે પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપતું પ્લેટફોર્મ નહીં પરંતું ફોટોસેશનનો એક સ્ટુડિયો બની ગયું હોય તેવું નજરે ચડી રહ્યું છે. અમુક કોર્પોરેટરો કદાચ ભૂલી રહ્યાં છે કે, કેમેરા કરતા કદનું મહત્વ વધુ હોય છે. વ્યર્થ હો..હા..અને ગોકીરા ટીવી ચેનલો અને વર્તમાનપત્રોમાં કદાચ એકાદ-બે દિવસની પ્રસિદ્ધિ આપી શકે પરંતુ કરેલા પ્રજાકીય કામો વર્ષો સુધી યાદ રાખવામાં આવે છે.
હાલ રાજકોટમાં વરસાદ પછીની જે સ્થિતિ છે તે કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી રહી છે. ભાજપના જ વોર્ડ નં.17ના એક મહિલા કોર્પોરેટરે વરસાદ રહી ગયાના ત્રણ દિવસ બાદ પણ પોતાના વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન થઈ રહ્યાં હોવાની ફરિયાદ કરી છે. છતાં આ વાત શાસકોને ગળે ઉતરતી નથી. ‘સાઈકલ’ પર ફરીને નાલા કે અંડરબ્રિજ ક્લીયર હોવાનો દાવો કરનારા તંત્રના ઉચ્ચ અધિકારીઓ હકીકતમાં આ નાલાઓમાં ક્યારેય પણ પાણી ન ભરાય તે બાબત પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. સમસ્યાનું ‘ટેમ્પરરી’ સમાધાન શોધવાને બદલે કાયમી ઉકેલ શા માટે શોધવામાં આવતો નથી ? 18 ઈંચ વરસાદમાં શહેર ફરી ધબકતું થઈ ગયું તેનો ગર્વ લેવાની સાથોસાથ એ વાત પણ ન ભૂલાવી જોઈએ કે, હજુ પણ આ શહેરમાં મનપાના જાહેરનામું ઉલ્લંઘન કરીને બિલ્ડરો બેરોકટોક સેલરોના પાણી રસ્તાઓ પણ છોડી રહ્યાં છે. ઠેર-ઠેર ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય ઉભું થયું છે. એક સમયે શહેરને સ્માર્ટ સિટી માનનારા લોકોનું શિશ ‘ખાડાનગર’ને જોઈને શરમથી નીચે ઝુકી જાય છે. દુ:ખ એ વાતનું છે કે, આટલું-આટલું થવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer