શહેરમાં કાલે આન, બાન, શાન સાથે ત્રિરંગાને સલામી અપાશે

શહેરમાં કાલે આન, બાન, શાન સાથે ત્રિરંગાને સલામી અપાશે
ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
એવીપીટીના છાત્રો રક્તલિખિત અભિનંદન પત્ર વડાપ્રધાનને પાઠવશે
રાજકોટ: શહેરમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા અનેરો થનગનાટ છે. વિવિધ સંસ્થાઓ, શાળા અને કોલેજમાં ધ્વજવંદન સાથે આન, બાન, શાનથી ત્રિરંગાને તા.15ને ગુરૂવારે સલામી અપાશે. આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિની ગીત સ્પર્ધાઓ, તેજસ્વી છાત્રોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે એવીપીટી કોલેજના છાત્રો રક્તલિખિત અભિનંદન પત્ર દેશના વડાપ્રધાનને કલેકટર મારફત મોકલશે.
એવીપીટી કોલેજ કેમ્પસ ખાતે સ્વાતંત્ર્ય પર્વની જબરદસ્ત ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આઝાદીના આટલા વર્ષો પછી રાહ જોતું હતું તે બંધારણની કલમ 35(એ) અને 370 કલમ હટાવવાના અને સમગ્ર જમ્મુ કાશ્મીરને અખંડ ભારતમાં જોડવાના ઐતિહાસિક નિર્ણયને વધાવા માટે પ્રધાનમંત્રીને આ કોલેજના જુદા જુદા વિદ્યાર્થી ભાઇ-બહેનો પોતાના રક્ત વડે એક અભિનંદન પત્ર પાઠવવા સંકલ્પ કરેલ છે. આ પત્ર શહેર ભાજપના મોભી પ્રદેશ ભાજપના આગેવાન નીતિનભાઇ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટના કલેકટરને અભિનંદન પત્ર અર્પણ કરશે.
સાથોસાથ જમ્મુ અને કાશ્મીરમાં અગણિત ફોજીઓએ પોતાની આવડત, હોશીયારી અને જનુનથી જમ્મુ-કાશ્મીરના નાગરિકોનું ખુમારીથી રક્ષણ કરેલ છે તે માટે નિવૃત્ત જવાનોનું સ્નેહ મિલન અને તેમનો અભિવાદનનો કાર્યક્રમ સાથે છે. સાથો સાથ અખંડ ભારતનું નિર્માણ થાય તે માટે અખંડ ભારતના ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમમાં સ્વ.રવિ વિનુભાઇ નાયકપરા તથા યુવા વૈજ્ઞાનિક સ્વ.ધવલ નંદલાલ જોષીને પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો, રાષ્ટ્રપ્રેમી યુવક-યુવતીઓને જોડાવા અપિલ કરેલ છે. સાથોસાથ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય એવીપીટીઆઇ ડો.એ.એસ.પંડયા, ડો.આર.પી.ભટ્ટ, પ્રિન્સિપાલ, કોટક સાયન્સ કોલેજ ડો.મીનલ એ.રાવલ, પ્રિન્સિપાલ, એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજ ડો.એ.એસ.રાઠોડ, પ્રિન્સિપાલ, ડી.એચ.કોલેજ વગેરેએ અનુરોધ કર્યો છે.
નાગરિક સહકારી બેન્ક : રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા સવારે 9 કલાકે બેન્કની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણિયાર નાગરિક સેવાલય ખાતે ધ્વજવંદન અને તેજસ્વી છાત્ર સન્માન સમારોહ યોજાશે. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મહેશભાઇ ઓઝા (પ્રાંત સહકાર્યવાહ, સૌરાષ્ટ્ર પ્રાંત) અને ચંદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ) ઉપસ્થિત રહેશે. સભાસદોના તેજસ્વી સંતાનો કે જેઓએ માર્ચ 2019ની પરીક્ષામાં ધો.10 અને ધો.12માં એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલ છે. તે પૈકીના પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવનારનું સન્માન અને સંબંધિત તમામને શૈક્ષણિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાવશે. આ તકે ડિરેકટરો, શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલીગેટસ, નિમંત્રીતો, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. જ્યારે બેન્કી બહારગામની દરેક શાખાઓમાં પણ સવારે 9 કલાકે ધ્વજવંદન યોજાશે.
વિરાણી બહેરા મૂંગા શાળા : છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળાના પટાંગણમાં ઉદ્યોગપતિ  સિધ્ધિ વિનાયક મોટર્સના માલિક મયુરસિંહ ઝાલાના હસ્તે સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે તાજેતરમાં અબુધાબી ખાતે યોજાયેલ સ્પે.ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર મનોદિવ્યાંગ બાળક મંત્ર જીતેન્દ્રભાઇ હરખાણીનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરાશે. તેમજ દિવ્યાંગ (મૂકબધિર) બાળકોને વ્યવસાયિક તાલીમ ખૂબ જ સારી રીતે મળી શકે તે માટે રીનોવેટેડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ‰ઘાટન જીબુટી નિવાસી રમણીકલાલ મગનલાલ મહેતાના પત્ની ચંદ્રીકાબેન તથા પુત્રવધૂ બીનાબેન મનોજભાઇ મહેતાના હસ્તે કરવામાં આવશે.
આર્ય સમાજ: આર્ય સમાજ માયાણીનગર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 7-30 રાખવામાં આવેલ છે. દરેક દેશ-પ્રેમી ભાઇઓ-બહેનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer