શેરબજારમાં અમંગળ: 624 પોઇન્ટનો ભૂકંપ

શેરબજારમાં અમંગળ: 624 પોઇન્ટનો ભૂકંપ
મુંબઇ, તા. 13 : મુંબઇ શેરબજારના ભાવાંક સેન્સેક્સ માટે મંગળવારનો દિવસ અમંગળકારી રહ્યો હતો. વૈશ્વિક ચિંતાઓની સાથેસાથે ઘરેલુ આર્થિક સ્થિતિને લીધે પણ ઊભી થયેલી ચિંતાઓથી સેન્સેક્સમાં 623.75 આંકનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો ભાવાંક નિફટીમાં પણ 184 આંકનો ઘટાડો જોવા મળ્યો હતો અને 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તૂટી હતી.
અર્થતંત્રમાં સુસ્તી દેખાઇ રહી છે. જ્યારે અનેક ક્ષેત્રોમાં માંગ ઘટી રહી છે. જો કે આજે શેરબજારમાં મંદીની વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડેના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફટી બંને ક્રમશ: 867 અને 244 પોઇન્ટ સુધી ઘટી ગયા હતા જેથી કારોબારના અંતે સ્થિતિમાં આંશિક સુધારો થયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 624 પોઇન્ટ ઘટીને 36,958ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં સેન્સેક્સની 30 કંપનીઓ પૈકીની 28 કંપનીઓના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. યશ બેંક, એમ એન્ડ એમ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. જ્યારે એક માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને સનફાર્માના શેરમાં તેજી જામી હતી.
રિલાયન્સમાં દાયકાનો સૌથી મોટો ઉછાળો 
મુંબઈ, તા. 13: રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવ્યા બાદ કંપનીના શેરમાં આજે જોરદાર ઉછાળો નોંધાયો હતો. રિલાયન્સના શેરમાં આજે કારોબાર દરમિયાન 12.09 ટકા સુધી સુધરીને ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. છેલ્લા 10 વર્ષના ગાળામાં આ શેરમાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આ પહેલા 18મી મે 2009ના દિવસે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન રિલાયન્સના શેરમાં 24 ટકાનો વધારો નોંધાયો હતો. સેશન દરમિયાન રિલાયન્સે તેની માર્કેટ મૂડીમાં 89381 કરોડનો ઉમેરો કરી લીધો છે. કારોબારના અંતે રિલાયન્સના શેરમાં 9.6 ટકાનો વધારો નોંધાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer