કાશ્મીર : પાબંદીઓ મામલે દખલનો સુપ્રીમનો ઇનકાર

કાશ્મીર : પાબંદીઓ મામલે દખલનો સુપ્રીમનો ઇનકાર
રાજ્યની સ્થિતિ સંવેદનશીલ, કેન્દ્ર સરકારને મળવો જોઇએ સમય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.13 : જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટાવાયા બાદ રાજ્યમાં લગાવવામાં આવેલી રોક અંગે સુપ્રીમ કોર્ટે દખલ દેવાનો ઈન્કાર કરતાં કહ્યું કે રાજ્યમાં સ્થિતિ સંવેદનશીલ છે અને સરકાર પર ભરોસો કરવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આજે એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે સરકારને રાજ્યની સ્થિતિને સામાન્ય બનાવવા માટે સમય આપવો જોઈએ. રાતોરાત સ્થિતિ બદલી શકે નહીં. એટલે રાજ્યમાં લગાવવામાં આવેલી પાબંદીઓ પર કોઈ પણ પ્રકારનો આદેશ આપવામાં આવશે નહીં. આ સાથે જ  કોર્ટે બે સપ્તાહ સુધી આ મામલાની સુનાવણી ટાળી
દીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફ્યૂ હટાવવા તેમજ સંચાર સેવા બહાલ કરવાની માંગ કરતી એક અરજી પર જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ અજય રસ્તોગીની એક બેન્ચે એટર્ની જનરલને સવાલ કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં કેટલા દિવસ સુધી રોક જારી રહેવાની છે. આ સવાલ પર એટર્ની જનરલે જણાવ્યું હતું કે સરકાર પળેપળની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. 2016માં આ જ પ્રકારની સ્થિતિને સામાન્ય થવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. કેન્દ્ર સરકારની કોશિશ છે કે પરિસ્થિતિ જેમ બને તેમ જલ્દી સામાન્ય થઈ જાય.
જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધોને જલ્દીથી સમાપ્ત કરવામાં આવે તેવી અરજદારની માંગ પર કોર્ટે કહ્યું હતું કે સરકારને જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય કરવા માટે પર્યાપ્ત સમય આપવો જોઈએ. કોર્ટે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવી હતી એવામાં જો ત્યાં કશુંક બન્યુ હોત તો તેની જવાબદારી કોણ લેત? અદાલતે કહ્યું કે રાજ્યનો મામલો સંવેદનશીલ છે અને સરકારને સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે સમય આપવો જોઈએ. કોર્ટ પ્રશાસનના દરેક મામલામાં હસ્તક્ષેપ કરી ન શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer