રાજકોટ મનપાનું બોર્ડ તોફાની: કોંગી કોર્પોરેટરોની ટીંગાટોળી કરીને હકાલપટ્ટી

રાજકોટ મનપાનું બોર્ડ તોફાની: કોંગી કોર્પોરેટરોની ટીંગાટોળી કરીને હકાલપટ્ટી
રાજકોટ, તા.13 : રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠક આજે ફરી એક વખત તોફાની બની હતી. શહેરમાં 30 કલાકમાં પડેલા 18 ઈંચ વરસાદને પગલે ઠેર-ઠેર ડ્રેનેજ ચોકઅપ અને રસ્તાઓ પર ગટરોના પાણી વહેવા મુદ્દે વિપક્ષના સદસ્યોએ શાસકો પર તડાપીટ બોલાવાનું શરૂ કર્યુ હતું. રોષે ભરાયેલા કોંગી કોર્પોરેટરો એક તબક્કે ડાયસખાતે ધસી જઈ હલ્લાબોલ કરતાં મેયરે તમામને બોર્ડની બહાર કાઢવાનો આદેશ કરતાં પોલીસે તમામ સભ્યોની ટીંગાટોળી કરીને સભાગૃહમાંથી બહાર કાઢ્યાં હતાં. આમ ફરી એક વખત જનરલ બોર્ડમાં પ્રજાકિય પ્રશ્નોને પડતા મૂકવામાં આવ્યાં છે.
મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના સભાગૃહમાં 11 કલાકે મળેલી બોર્ડ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના મળી કુલ 27 કોર્પોરેટરોએ પોતાના પ્રશ્નો મૂક્યાં હતાં. પ્રથમક્રમે ભાજપના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષ રાડિયાએ વોટરવર્કસ વિભાગને લગતો પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ કમિશનર બંછાનીધિ પાની આપી રહ્યાં હતાં ત્યારે પાણી વિતરણની પૂરી સિસ્ટમ અંગે લાંબી ચર્ચા થતી હોય અને હાલની સ્થિતી અંગે કોઈ ચર્ચા ન થતાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા,       
મનસુખભાઈ કાલરિયા, પારૂલબેન ડેર વગેરે વરસાદ બાદ મનપાની કામગીરી અંગે જવાબ માંગ્યો હતો.
દરમિયાન મેયરે બોર્ડ બેઠકમાં પ્રશ્નોની ચર્ચા ક્રમાનુંસાર થશે તેવું જણાવતા કોંગી કોર્પોરેટરો રોષે ભરાયાં હતાં અને ડાયેસ સુધી ધસી ગયાં હતાં અને બાદમાં જમીન પર બેસી રામધૂન બોલાવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે પણ કોંગ્રેસને ટપારી હતી અને બોર્ડની ગરીમાં જાળવવા જણાવ્યું હતું છતાં કોંગી સભ્યો નિયંત્રણમાં ન આવતાં અંતે ભાજપના સિનીયર કોર્પોરેટર નીતિન ભારદ્વાજે તમામને બોર્ડ બહાર કાઢવા તેમજ તેમના માઈક બંધ કરવાનો આદેશ આપવા મેયરને સૂચના આપી હતી. મેયરે બંદોબસ્તમાં રહેલા માર્શલ અને પોલીસમેનને આદેશ કરતા તમામ કોર્પોરેટરોને ટીંગાટોળી અને ધક્કામારીને સભાગૃહની બહાર કાઢવામાં આવ્યાં હતાં અને બાદમાં ભાજપના સભ્યોની બહુમતિથી તમામ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer