વીરપુરના પોલીસમેન વતી 25,000ની લાંચ લેતો વચેટિયો ઝડપાયો

વીરપુરના પોલીસમેન વતી 25,000ની લાંચ લેતો વચેટિયો ઝડપાયો
જેતપુર, તા. 13:  પોલીસમેન વતી રૂ. 25 હજારની લાંચ  લેવા અંગે વીરપુરનો વચેટિયો રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળા ઝડપાયો હતો. જયારે લાંચની માગણી કરનાર વીરપુરના પોલીસમેન અશ્વિનસિંહ નિરૂભાની શોધ આદરવામાં આવી છે.
વીરપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ યુવાન નશો કરેલી હાલતમાં પકડાયા હતાં. આ યુવાનોને માર નહી મારવાના અને તાકીદે જામીન પર છોડી દેવાના બદલામાં વીરપુર પોલીસ મથકના પોલીસમેન અશ્વિનસિંહ નિરૂભાએ રૂ. એક લાખની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ. 25 હજાર આપવાનું નક્કી થયું હતું. પરંતુ એ શખસો લાંચની રકમ આપવા માગતા ન હોવાથી લાંચ રૂશ્વતવિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો. તેના આધારે  રાજકોટ બ્યુરોના મદદનીશ નિયામક દોશીના માર્ગદર્શન હેઠળ મોરબીના ઇન્સ. એમ.બી.જાનીએ છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં પોલીસમેન અશ્વિનસિંહે તેના મિત્ર રાજેન્દ્રસિંહ  પ્રતાપસિંહ વાળાને લાંચની રકમ લેવા મોકલ્યા હતાં.  પોલીસમેન વતી લાંચની રકમ સ્વીકારતા જ રાજેન્દ્રસિંહ વાળાને ઝડપી લેવાયા હતાં. જયારે પોલીસમેન અશ્વિનસિંહને ઝડપી લેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, રૂ. આઠ લાખની લાંચ લેવાના આરોપસરના છટકામાં જેતપુરનો પોલીસમેન પકડાયો હતો. જયારે  ડીવાયએસપી ભરવાડ નાસી ગયા છે. તેને ઝડપી લેવા પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યાં જેતપુર ડિવીઝનમાં લાંચના છટકામાં વધુ એક પોલીસમેન ઝડપાયેલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer