હળવદમાં $ 14 લાખની ઘરફોડ ચોરી

હળવદમાં $ 14 લાખની ઘરફોડ ચોરી
વેપારી મકાન બંધ કરીને તેના ગામ આંટો દેવા ગયા’ને તસ્કરો કસબ અજમાવી 62 તોલા વજનના દાગીના લઇ ગયા
હળવદ, તા. 13:  હળવદમાં રૂ. 14 લાખની ઘરફોડ ચોરીની ઘટના બની હતી. વેપારી પ્રવીણભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણના મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ. 14 લાખના 62 તોલા વજનના સોનાના દાગીના ઉઠાવી ગયા હતાં.
અહી ગીરનારીનગરમાં રહેતાં અને માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતાં પ્રવીણભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ રવિવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે તેના મકાનને તાળા મારીને તેના વતન રાયસંગપર ગામે ગયા હતાં. બે દિવસના ભારે વરસાદના કારણે વતનમાં ખબરઅંતર પુછવા માટે વેપારી ગયા હતાં. રેઢા પડેલા વેપારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી રૂ. 14 લાખની કિમતના 62 તોલા વજનના સોનાના દાગીના ઉઠાવી ગયા હતાં. મકાનમાં ચોરી થયાની જાણ થતાં વેપારીએ હતપ્રભ થઇ ગયા હતાં. બાદમાં જાણ કરતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. પોલીસે તસ્કરોના સગડ મેળવવા માટે રાબેતા મુજબ ફિંગરપ્રિન્ટ નિષ્ણાત, ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લીધી હતી. આ તપાસમાં તસ્કરો વેપારીના મકાનની પાછળના ભાગે આવેલ બારીનો દરવાજો અને ગ્રીલ તોડીને અંદર હાથ નાખીને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યાનું ખુલ્યું હતું. એટલુ જ નહી પણ વેપારી તિજોરીની ચાવી મકાનમાં જ રાખતા ગયા હોવાથી એ ચાવીથી તિજોરી ખોલીને તસ્કરો દાગીના ઉઠાવી ગયા હતાં.  આ ચોરીમાં કોઇ જાણભેદુ સંડોવાયાની શંકા છે. આ ઉપરાંત વેપારીના મકાનની પાછળ બે મોટા ફલેટ બની રહ્યા છે ત્યાં કામ માટે આવતા કોઇ ઉઠાવીગીરનો હાથ હોવાનું અનુમાન કરવામાં આવે છે. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે દોડધામ આદરી છે..

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer