બાબરાના ઉંટવડ ગામે મંદિરમાં ચોરી

બાબરાના ઉંટવડ ગામે મંદિરમાં ચોરી
અંદાજે રૂ. દોઢ લાખના સોના, ચાંદીના આભૂષણો તસ્કરો ઉઠાવી ગયા
બાબરા, તા.13:  બાબરા તાલુકાના  ઉંટવડ ગામે આવેલા જેઠવા દરજી પરિવારના કુળદેવી વીજાસણ માતાજીના મંદિર (મઢ)ને નિશાન બનાવીને તસ્કરો અંદાજે રૂ. દોઢ લાખની કિંમતના સોના, ચાંદીના છતર સહિતના આભૂષણો ઉઠાવી ગયા હતાં.
મંદિરના પરીસરમાં રહેતાં પુજારી  બાબુભાઇ રામજીભાઇ હીંગુ અને તેમના પત્ની ગઇરાતના નિત્યક્રમ પતાવીને સુઇ ગયા હતાં. સવારે  પુજારી ઉઠયા ત્યારે મંદિરનું તાળા તુટેલા હતાં. મંદિરમાં જઇને તપાસ કરતાં અંદાજે બે કિલો વજનનું ચાંદીનુ છતર સહિત 100 જેટલા નાના છતર અને સોનાના આભુષણ મળી રૂ. દોઢ લાખના આભુષણોની ચોરી થયાની જાણ થઇ હતી. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તપાસાર્થે બનાવ સ્થળે પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બાબરા તાલુકામાં તસ્કર રાજ હોય તેમ થોડા મહિના પહેલા ઉંટવડના મહિલા સરપંચના પરિવારના મકાનમાં ધાડપાડુઓએ ત્રાટકીને દાગીના અને રોકડ રકમની લૂંટ કરી હતી. ચમારડી ગામે તા. 24મીએ વસ્તપરા પરિવારના મંદિરમાં ચોરી થઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer