જેતપુરમાં સાળા-બનેવીને લૂંટી લેવા અંગે મહિલા સહિત ચારની ધરપકડ

જેતપુરમાં સાળા-બનેવીને લૂંટી લેવા અંગે મહિલા સહિત ચારની ધરપકડ
જેતપુર, તા. 13: અહીના દેરડી રોડ પર અજયભાઇ ભીખાભાઇ વાઘેલા અને તેના સાળાને છરી બતાવીને સોનાની બુટી અને મોબાઇલ ફોન લૂંટી લેવા અંગે એક મહિલા સહિત ચારની પોલીસે ધરપકડ કરી હતી. મહિલા સહિત બેને  બે દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા હતાં.
આ લૂંટ અંગે રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતી સોનલ ઉર્ફે કારી ચાવડા નામની મહિલા અને જસ્મીન ઉર્ફે કાનો લલીતભાઇ ગોંડલિયા, સમીર ઉર્ફે ફારૂક  ગામેતી અને જૂનાગઢના શ્રીરાજ ઉર્ફે રાજ મનસુખભાઇ બારોટની પોલીસે ધરપકડ કરી હતી. સોનલ અને જસ્મીન ઉર્ફે કાનાને રિમાન્ડ પર મેળવવામાં આવ્યા હતાં. બળદેવધાર વિસ્તારમાં રહેતાં અજયભાઇ વાઘેલાનો પુત્ર બીમાર હોય આથી તેને પૈસાની જરૂરિયાત હતી. આથી તેણે સામાકાંઠે રહેતા એક સંબંધીને ત્યાં સોનાની બુટી ગીરવે મૂકી પૈસા લેવા જવાનું નક્કી કર્યુ હતું. અજયભાઇ અને તેમનો સાળો  ચાર દિવસ પહેલા બુટી લઇને પૈસા લેવા જતા હતાં ત્યારે  દેરડી રોડ પર બાઇક અને સ્કૂટર પર એક મહિલા સહિત ચાર શખસ આવ્યા હતાં. મહિલા સહિત બે અહી શુ ઉભા છો તેવી  પુછપરછ કરીને જતા રહ્યા હતાં.
બાદમાં અન્ય બે શખસે અજયભાઇ  અને તેના સાળાને છરી બતાવીને તેની પાસેની સોનાની બુટી અને મોબાઇલ ફોન લૂંટી લઇને નાસી ગયા હતાં. આ બનાવ અંગે પીઆઇ વી.કે.  પટેલ અને તેની ટીમે  સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ હાથ ધરીને પ્રથમ સોનલ ઉર્ફે કારી ચાવડા અને જસ્મીન ઉર્ફે કાનો ગોંડલિયાને ઝડપી લીધા હતાં. બાદમાં સમીર ઉર્ફે ફારૂક અને રાજ બારોટને પકડી પાડયા હતાં.તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીએ  અન્ય જગ્યાએ પણ લૂંટ કરી હોવાની શંકાના આધારે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer