ફિલ્મ ‘બધાઇ હો’એ બોક્સ ઓફિસ પર તો સફળતા મેળવી જ છે પરંતુ નેશનલ એવૉર્ડ મેળવવાની રેસમાં રહેલી અન્ય ફિલ્મોને પણ પાછળ પાડી દીધી છે તથા વર્ષની સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો નેશનલ એવૉર્ડ મેળવ્યો છે. ફિલ્મમાં દાદીની ભૂમિકા ભજવનારી સુરેખા સિક્રીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો નેશનલ એવૉર્ડ મળ્યો છે. જંગલી પિકચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ ખરેખર મનોરંજક છે અને સાથે સમાજને એ સંદેશ પણ આપે છે. આમાં એક યુવાનની કથા છે જે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંસાર વસાવવાનાં સપનાં જોતો હોય છે ત્યાં તેની પચાસ વર્ષથી મોટી ઉંમરની માતા ગર્ભવતી હોવાના સમાચાર જાણવા મળે છે. ત્યાર બાદ તે યુવાન અને તેના પરિવારની જે સ્થિતિ થાય છે તેનું સુંદર ફિલ્માંકન ‘બધાઇ હો’માં કરવામાં આવ્યું છે.
હવે મુખ્ય વાત એ છે કે ‘બધાઇ હો -2’ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આમાં સંયુકત પરિવારમાં રહેતાં બે યુવા દંપતીઓની માનસિક મુંઝવણને દર્શાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે અને ઝડપથી પૂરું કરીને ફિલ્મની રજૂઆત કરી દેવાશે. જોકે, આ ફિલ્મના કલાકારો કોણ હશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ‘બધાઇ હો’ની સફળતા જોઇને તેને તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં બનાવવામાં આવી છે.
બધાઈ હોની સિકવલ બનશે
