શ્રીલંકાને સરજમીં પર હાર આપવા કિવિઝ બેતાબ

શ્રીલંકાને સરજમીં પર હાર આપવા કિવિઝ બેતાબ
બન્ને ટીમના ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનનો પણ આજથી પ્રારંભ
ગાલે (શ્રીલંકા) તા.13: વર્લ્ડ કપના ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી નાટકિય હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમ બુધવારથી શરૂ થઇ રહેલ બે ટેસ્ટની શ્રેણીમાં ગૃહ ટીમ શ્રીલંકાને તેના ઘરઆંગણે હાર આપવાના મકકમ ઇરાદે ઉતરશે. આ સિરિઝથી બન્ને ટીમ તેમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પણ પ્રારંભ કરશે. ન્યુઝીલેન્ડ પાસે શ્રીલંકા સામે શ્રેણી જીત મેળવી પહેલીવાર આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ટોચ પર પહોંચવાનો મોકો પણ રહેશે. હાલ કિવિ ટીમ પાસે 109 પોઇન્ટ છે અને ભારત (113)થી પાછળ છે. જો તે લંકાનો 2-0થી સફાયો કરશે તો નંબર વન ટીમ બની શકે છે.
સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહેલી શ્રીલંકાની ટીમ ગાલે ટેસ્ટમાં સ્પિનરોને અનુકૂળ પિચ તૈયાર કરવા પર અસમંજસમાં છે. કારણ કે પાછલા મેચમાં અહીં ઇંગ્લેન્ડે તેને હાર આપી હતી. ન્યુઝીલેન્ડની ટીમ સ્પિન વિભાગમાં ઘણા વિકલ્પ સાથે અહીં આવી છે.
શ્રીલંકાને હળવાશથી ન લઇ શકાય તે કિવિ કપ્તાન કેન વિલિયમ્સન સારી રીતે જાણે છે. લંકાની ટીમે પાછલી શ્રેણીમાં અપસેટ કરીને દ. આફ્રિકાને તેની જ ધરતી પર હાર આપી હતી અને આવું કરનારી એશિયાની પહેલી ટીમ બની હતી. લંકાની ટીમમાં પૂર્વ સુકાની દિનેશ ચંદિમાલની વાપસી થઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer