મેરિકોમની ટ્રાયલ વિના પસંદગી મામલે ફેડરેશનની 19મીએ બેઠક

મેરિકોમની ટ્રાયલ વિના પસંદગી મામલે ફેડરેશનની 19મીએ બેઠક
નવી દિલ્હી, તા.13: વિશ્વ મુકકેબાજી સ્પર્ધામાં મેરિકોમને ટ્રાયલ વિના ભારતીય ટીમમાં સ્થાન આપવાનો વિવાદ વકર્યો છે. યુવા ખેલાડી નિખત ઝરીનની ફરિયાદ બાદ ઇન્ડિયન ફેડરેશન 19 ઓગસ્ટે દિલ્હીમાં બેઠક બોલાવી છે. બેઠકમાં ટ્રાયલ અંગે અંતિમ નિર્ણય લેવાશે. ટ્રાયલમાં પહોંચ્યા પછી પણ નિખતને ઉતરવા દેવાઇ નહોતી. તે અંગે ફેડરેશનના અધ્યક્ષ અને સચિવને ઇ-મેલ કરાયો હતો અને ટ્રાયલ કરાવવા કહ્યું હતું. જોકે, નિખતને ફેડરેશને હજુ સુધી જવાબ મોકલ્યો નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપના મુકાબલા 3થી 13 ઓકટોબર સુધી થવાના છે.
બોક્સિંગ ફેડરેશનના મહાસચિવ જય કોહલીએ જણાવ્યું કે, નિખતની ફરિયાદ બાદ 19 ઓગસ્ટે અમે બેઠક કરશું. બેઠકમાં અધ્યક્ષ ઉપરાંત પરફોર્મન્સ ડાયરેકટર, હેડ કોચ અને પસંદગી સમિતિના ડેપ્યુટી ચેરમેન હાજર રહેશે. ત્યાર બાદ 51 અને 69 કિલો જૂથે બન્ને કેટેગરીમાં ટ્રાયલ અંગે નિર્ણય લેવાશે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમે મે મહિનામાં ઇન્ડિયા ઓપનમાં નિખત અને વનલાલને હરાવવાની વાત કરીને ટ્રાયલ ન આપવા કહ્યું હતું. ત્યાર બાદ ફેડરેશને મેરિકોમની વાત માની ટ્રાયલ ન કરાવવાનું નક્કી કર્યું હતું.નિખત અને મેરિકોમ બન્ને 51 કિલો કેટેગરીમાં રમે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer