ગુજરાતમાં આજથી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.13 : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદે છેલ્લા બે દિવસથી  વિરામ લીધો છે ત્યારે બંગાળની ખાડીમાં ફરી હવાનું લો પ્રેશર સર્જાતાં રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે  તા.14 થી 16 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા.14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તા.15 ઓગસ્ટે મધ્યગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જ્યારે તા.16 ઓગસ્ટે  ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા મધ્યગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગરમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી છે જ્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માત્ર હળવા 
વરસાદી ઝાપટાની જ સંભાવના છે.
દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 84.04 ટકા વરસાદ થયો છે.  ચોમાસાની શરૂઆતના સમયમાં જૂન,2019 મહિનામાં 108.59 મી.મી. વરસાદ વરસ્યો હતો જ્યારે જુલાઇમાં સારો વરસાદ થતાં 222.37 મી.મી. વરસાદ પડયો હતો જ્યારે ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં આજે 13 ઓગસ્ટ, 2019 સુધીમાં 354.81 મી.મી. વરસાદ  નોંધાયો છે.
રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદના પગલે 47 તાલુકાઓમાં 1000 મી.મી. કરતા વધુ વરસાદ થયો છે, જેમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના તાલુકાઓ છે. જ્યારે 93 તાલુકાઓમાં 501 મી.મી. થી 1000 મી.મી. સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત 100 તાલુકાઓમાં 251 મી.મી. થી 500 મી.મી. વરસાદ થયો છે. સાથે 11 તાલુકાઓમાં 126 મી.મી. થી 250 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 7પ ટકા અને કચ્છમાં 101 ટકા વરસાદ
રીજીયન પ્રમાણે વરસાદ જોઇએ તો, સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજીયનમાં 101.40 ટકા વરસાદ થયો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાત રીજીયનમાં 79.96 ટકા અને ઉત્તર ગુજરાત રીજીયનમાં 56.63 ટકા વરસાદ પડયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રીજીયનમાં 75.18 ટકા અને કચ્છ રીજીયનમાં 101.54 ટકા વરસાદ નોંધાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer