આજે વિન્ડિઝ સામે આખરી વન ડે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય શ્રેણી જીત

આજે વિન્ડિઝ સામે આખરી વન ડે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય શ્રેણી જીત
ગેલનો સંભવત: આખરી મેચ, ધવન ફોર્મમાં વાપસી કરવા તત્પર: મેચ સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે
પોર્ટ ઓફ સ્પેન, તા.13: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેનો ત્રીજો અને આખરી વન ડે મેચ બુધવારે રમાશે. પોર્ટ ઓફ સ્પેનમાં રમાનાર આ મેચમાં શિખર ધવનની નજર ફોર્મમાં વાપસી કરવા પર રહેશે. તે કેરેબિયન પ્રવાસમાં સતત ચાર ઇનિંગમાં નિષ્ફળ રહયો છે. આથી તેની નજર મોટી ઇનિંગ રમવા પર હશે. જયારે ટીમ ઇન્ડિયા સિરિઝ જીતવાના ઇરાદે મેદાને પડશે. ત્રણ મેચની શ્રેણીનો પહેલો મેચ વરસાદમાં ધોવાયો હતો. બીજા મેચમાં ભારતનો પ9 રને વિજય નોંધાયો હતો. આથી કોહલીની ટીમ 1-0થી આગળ છે. કેરેબિયન કિંગ ક્રિસ ગેલનો સંભવત: આ આખરી વન ડે બની રહેશે. તેણે વર્લ્ડ કપ સમયે ભારત સામે રમીને નિવૃત્ત થશે તેવી જાહેરાત કરી હતી. જો કે તે હજુ આ મામલે સ્પષ્ટ ન હોય તેવા પણ રિપોર્ટ છે.
ટી-20 સિરિઝમાં 1, 23 અને 3 રનની ઇનિંગ રમનાર શિખર ધવને બીજા વન ડેમાં ફકત 2 રનની ઇનિંગ રમી હતી. ઇજા પછી તેની વાપસી હજુ સફળ રહી નથી. તેને અંદર આવતા દડાથી મુશ્કેલી ઉભી થાય છે. આ રીતે તેને ઝડપી બોલર કોર્ટરેલ બે વાર આઉટ કરી ચૂકયો છે. ધવન ટેસ્ટ ટીમનો હિસ્સો નથી. આથી તે કેરેબિયન પ્રવાસની આખરી ઇનિંગને યાદગાર બનાવા તમામ પ્રયાસ કરશે. ભારતીય ટીમમાં ચોથા નંબરનું સ્થાન પાકુ કરવા યુવા બેટધરો વચ્ચે દ્વંદ્વ ચાલી રહયું છે. શ્રેયસ અય્યરે બીજા વન ડેમાં શાનદાર ઇનિંગ રમીને રીષભ પંત પર દબાણ બનાવ્યું છે. પંતને સુકાની કોહલીનું સમર્થન છે, પણ સતત નિષ્ફળતા અને અય્યરની 71 રનની ઇનિંગથી ચીજો બદલાઇ શકે છે. પંતની માનસિકતા ચિંતાનો વિષય છે. તે મોકા પર વિકેટ ગુમાવે છે. તે ધૈર્યથી ઇનિંગ આગળ વધારતો નથી. સુકાની વિરાટ કોહલી તેની બીજા વન ડેની 120 રનની શાનદાર ઇનિંગ જેવી ત્રીજા મેચમાં રમવા માગશે.બોલિંગમાં ભારત ભુવનેશ્વર, શમી, ખલિલ, કુલદિપ અને જાડેજા સાથે ઉતરવાનું ચાલુ રાખશે.
બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ત્રીજો વન ડે જીતીને શ્રેણી 1-1થી ડ્રો કરવા પ્રયાસ કરશે. આ માટે વિન્ડિઝના બેટધરોએ વધુ જવાબદારી લેવી પડશે. ટીમ પાસે શાઇ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, એવિન લૂઇસ જેવા પ્રતિભાશાળી બેટધર છે. જે હજુ સુધી આશાને અનુરૂપ પ્રદર્શન કરી શકયા નથી. યુનિવર્સલ બોસ ગણાતા ક્રિસ ગેલ નિવૃત્તિ જાહેર કરી ચૂકયો છે. તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ થયો નથી. આથી સંભવત: આ તેનો આખરી ઇન્ટરનેશનલ મેચ બની રહેશે. જેમાં તે તેના અંદાજમાં આતશી ઇનિંગ રમવામાં કોઇ કસર બાકી રાખશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer