બગોદરા-તારાપુર-વાસદ હાઇવેના છ માર્ગીયકરણનો પ્રારંભ

અમદાવાદ, તા.13: રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા - તારાપુર - વાસદના છ માર્ગીય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા - તારાપુર અને વાસદને જોડતા ગલિયાણા ખાતે રૂ.48 કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઈ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગીય બનાવી ઝડપી મુસાફરી માટેના માર્ગ મોકળા કરી દેવામાં આવ્યો છે. આ છ માર્ગીય સુઆયોજિત આંતર માળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સંપતિને સુઆયોજિત રીતે ઉપયોગ કરીશું તો આવનાર પેઢી પણ તેનો લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે, આવનારાં બે વર્ષમાં ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગીય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો 53.800 કિ.મી.નો રસ્તો અંદાજિત રૂ.649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિ.મી.ના છ માર્ગીય રસ્તાનું કામ અંદાજે રૂ.1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂ.1700 કરોડનો ખર્ચ થશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, માત્ર છ માસના ટૂંકા ગાળામાં રૂ.48 કરોડના ખર્ચે આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને વ્યવહારિક, વ્યાપારિક અને સામાજિક વ્યવહારો પણ સરળ અને ઝડપી બનશે. તેમણે કહ્યું કે, પ્રજા કલ્યાણકારી કાર્યો અને વિકાસ કાર્યો એ રાજ્ય સરકારની હંમેશાં અગ્રતા રહી છે અને આજે વિકાસકાર્યોમાં એક છોગું ઉમેરાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer