ટીમ ઇન્ડિયાના કોચ માટે 6 નામ શોર્ટ લિસ્ટ: શુક્રવારથી ઇન્ટરવ્યુ

ટીમ ઇન્ડિયાના કોચ માટે 6 નામ શોર્ટ લિસ્ટ: શુક્રવારથી ઇન્ટરવ્યુ
 રવિ શાત્રી, માઇક હેસન, ટોમ મૂડી, ફિલ સિમન્સ, લાલચંદ રાજપૂત અને રોબિનસિંઘ રેસમાં: કપિલદેવનાં અધ્યક્ષપદ હેઠળની કમિટી ઇન્ટરવ્યુ લેશે
નવી દિલ્હી, તા.13: ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે 6 નામ શોર્ટ લિસ્ટ કરાયાં છે. કપિલ દેવની અધ્યક્ષપદ હેઠળની ત્રણ સદસ્યી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ આ નામોની સોમવારે છટણી કરી હતી. આથી ટીમ ઇન્ડિયાના હેડ કોચની દોડમાં હવે વર્તમાન કોચ રવિ શાત્રી, ન્યુઝિલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ખેલાડી અને અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સિમન્સ, ટીમ ઇન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ભારતીય ટીમના પૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિનસિંઘનાં નામ સામેલ છે.
16 ઓગસ્ટથી શરૂ થનાર ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે આ પસંદ થયેલા છ ઉમેદવાર સીએસી સમક્ષ તેમનું પ્રેજન્ટેશન રજૂ કરશે. રવિ શાત્રી વેસ્ટ ઇન્ડિઝથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્ટરવ્યુ આપશે. ત્રણ સદસ્યની સીએસી હેડ કોચના ઇન્ટરવ્યુ બાદ એક સપ્તાહની અંદર તેમનો નિર્ણય લેશે. ક્રિકેટ સલાહકાર સમિતિમાં કપિલ દેવ ઉપરાંત અંશુમાન ગાયકવાડ અને મહિલા ટીમની પૂર્વ સુકાની શાંતા રંગાસ્વામી છે.
હાલ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર છે. મુખ્ય કોચ રવિ શાત્રી અને સપોર્ટ સ્ટાફના વર્લ્ડ કપ બાદ કાર્યકાળ સમાપ્ત થયા છે. તેમનાં કામમાં 4પ દિવસનો વિસ્તાર કરાયો છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર રવિ શાત્રી કોચ બને તેવી ઇચ્છા જાહેર કરી ચૂક્યો છે. આથી રવિ શાત્રી ફરી હેડ કોચનો પ્રબળ દાવેદાર છે. તેને આગામી ટી-20 વર્લ્ડ કપ સુધીનો વધુ એક કાર્યકાળ મળી શકે છે. ટોમ મૂડી પણ ટીમ ઇન્ડિયાના નવા કોચનો દાવેદાર છે. તેના માર્ગદર્શનમાં શ્રીલંકાની ટીમ 2007માં વિશ્વ કપમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે આઇપીએલમાં તેના કોચિંગમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 2016માં ચેમ્પિયન બની હતી. તેમની પાસે કોચિંગનો લાંબો અનુભવ છે. તેઓ ઓસ્ટ્રેલિયા તરફથી 8 ટેસ્ટ અને 76 વન ડે રમી ચૂક્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer