15 ઓગસ્ટે શ્રીનગરનાં લાલચોકમાં અમિત શાહ ફરકાવશે રાષ્ટ્રધ્વજ !

15 ઓગસ્ટે શ્રીનગરનાં લાલચોકમાં અમિત શાહ ફરકાવશે રાષ્ટ્રધ્વજ !
મોદી સરકાર વધુ એક ઐતિહાસિક કાર્યક્રમની તૈયારીમાં: મજબૂત કિલ્લેબંધી
શ્રીનગર, તા.13: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને સદંતર કમજોર કરી દીધા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશનો 74મો સ્વતંત્રતા દિવસ આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ ઉજવે તેવી શક્યતા છે. મળી રહેલા અહેવાલો અનુસાર 14 ઓગસ્ટની સાંજે શાહ શ્રીનગર જવા રવાના થશે અને 1પ ઓગસ્ટે લાલચોકમાં તેમનાં હાથે જ તિરંગો ફરકાવવામાં આવી શકે છે.
જો 1પમી ઓગસ્ટે આ કાર્યક્રમ યોજવામાં આવે તો કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ મોદી સરકારનું આ વધુ એક ઐતિહાસિક પગલું બની રહેશે. શ્રીનગર બાદ ગૃહમંત્રી શાહ 16 અને 17મી ઓગસ્ટે લદ્દાખનો પ્રવાસ કરશે.
આ પૂર્વે 26 જાન્યુઆરી 1992નાં રોજ તત્કાલીન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી અને તત્કાલીન સંઘ પ્રચારક નરેન્દ્ર મોદીએ લાલચોકમાં સફળતાપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. નોંધનીય છે કે 1948માં સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલચોકમાં તિરંગો ફરકાવ્યો હતો ત્યારથી જ આ સ્થળનું મહત્વ અનેરું બની ગયું છે.
આતંકવાદી હુમલાનો ખતરો ધ્યાને રાખતા અમિત શાહનાં 1પમી ઓગસ્ટનાં શ્રીનગરનાં કાર્યક્રમ માટે સઘન સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. જો કે કાશ્મીર અને શ્રીનગરનું પ્રશાસન હજી સુધી આવા કોઈ કાર્યક્રમની પુષ્ટિ આપી રહ્યું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer