પૂર તાંડવ: 12 લાખ વિસ્થાપિત, મૃત્યુ આંક 225એ પહોંચ્યો

પૂર તાંડવ: 12 લાખ વિસ્થાપિત, મૃત્યુ આંક 225એ પહોંચ્યો
કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પૂરનાં ઓસરતા પાણી
ખાનાખરાબીનું ચિત્ર સપાટી પર: કેરળમાં હજી પણ 50 લાપતા

નવી દિલ્હી, તા. 13 : દેશના જુદા જુદા ભાગોમાં પૂરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો 225થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પૂરના કારણે જુદા જુદા રાજ્યોમાં 12 લાખથી વધારે લોકોને પ્રતિકુળ અસર થઇ છે. હજુ લાખો લોકો પૂરના સકંજામાં છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા હોવા છતાં લોકોને હજુ રાહત મળી નથી.
 દરમિયાન ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ ભારે વરસાદ થયો છે. અહીં ભેંખડો ધસી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. આવી જ રીતે બંગાળ અને ઓરિસ્સામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. કેરળમાં મૃત્યુનો આંકડો વધીને 90 ઉપર પહોંચી ગયો છે. જ્યારે કર્ણાટકમાં 50 ઉપર પહોંચી ગયો છે. કેરળમાં હજુ 50 લોકો લાપતા થયા છે. કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની 13 ટીમો કેરળ પહોંચી ચુકી છે. કોઝિકોડમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. કોચિ એરપોર્ટ ખાતે કામગીરી આંશિકરીતે ફરી શરૂ કરવામાં આવી છે. તમામ પૂરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં 2.47 લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.
1639 રાહત કેમ્પોમાં 2.47  લાખ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. બીજી બાજુ  ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પણ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી 50 લોકોના મૃત્યુ થયા છે.12 લોકો હજુ લાપતા થયેલા છે. મુખ્યપ્રધાન બીએસ યેદીયુરપ્પા દ્વારા પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં મકાનો ગુમાવી દેનાર માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી છે.  કર્ણાટકના 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ રહેલી છે. 581702 લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવી ચુક્યા છે.  છ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો છે પરંતુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પૂર અને ભારે વરસાદથી હજુ સુધી 45 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.
સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા 205591 લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્હાપુરમાં 4.04 લાખ લોકોને શિફટ કરવામાં આવ્યા છે. મુંબઇને કોલ્હાપુર સાથે જોડનાર નેશનલ હાઇવે હજુ પણ બંધ હાલતમાં છે. જેના પરિણામ સ્વરૂપે ખેડ, સતારા અને કરાડ તરફ જતા 30 હજાર ભારે વાહનોની લાઇનો લાગી ગઇ છે. મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરના 35 ગામો સંપર્ક વિહોણા થયેલા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer