મેઘરાજાએ શહેર ધમરોળ્યુ: ગાજવીજ સાથે અઢી ઇંચ વરસાદ

મેઘરાજાએ શહેર ધમરોળ્યુ: ગાજવીજ સાથે અઢી ઇંચ વરસાદ
એકાએક છવાયેલા કાળા વાદળોથી રાત જેવો માહોલ સર્જાયો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
રાજકોટ, તા.21 : રાજકોટવાસીઓની આતુરતાનો અંત લાવતા મેઘરાજાએ રવિવારે શહેરને રીતસર ધમરોળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. બપોર પછી સમી સાંજે કાળા વાદળો એકાએક એ હદે છવાયા હતા કે રાત જેવો માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર  અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની શાહી સવારી જોઈને રાજકોટવાસીઓ આનંદમાં આવી ગયા હતા અને અનેક લોકો ભીંજાવા નીકળી પડયા હતા. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અઢી કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. શહેરના યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, કોઠારિયા, મવડી, રેલનગર, માધાપર તથા 150 ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાના બનાવો બન્યા હતા. આ ઉપરાંત અંડરબ્રીજ, લક્ષ્મીનગર નાલુ, રેલનગર નાલુ સહિતના તમામ નાલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લક્ષ્મીનગરના નાલામાં આમ તો થોડા વરસાદે જ પાણી ભરાઈ
જાય છે. આજે પડેલા વરસાદથી આ નાલું ભરાઈ જતા બેરીકેટ મૂકીને બંધ કરવામાં આવ્યું હતુ. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોએ લાંબા સમય બાદ વરૂણદેવે વરસાવેલા વ્હાલને વધાવ્યા હતા અને લોકો વરસાદમાં પલળવા નીકળી પડયા હતા. જો કે, અનેક જગ્યાએ પાણીમાં વાહન ફસાવાના અને બંધ પડી જવાના પણ બનાવો બન્યા હતા. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો.
 
મવડીમાં કાર તણાઈ : ત્રણ સ્થળે વૃક્ષ ધરાશાયી
આ દરમિયાન શહેરના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે આવેલા કાવેરી પાર્કમાં એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને કારચાલકને બચાવી લેવામાં આવ્યો હતો અને કારને બહાર કાઢવામાં આવી હતી. કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતુ. જેમાં એક કાર દબાઇ ગઈ હતી, પરંતુ સમયસુચકતા વાપરીને કારમાંથી ઉતરી ગયેલા કારચાલક સહિત અન્ય ત્રણ વ્યક્તિનો બચાવ થયો હતો. કોઠારીયા રોડ પર પીપળીયા હોલ પાસે અને નવજ્યોત પાર્ક-2માં આવેલી ગીરીરાજ હોસ્પિટલ પાસે પણ એક-એક વૃક્ષ ધરાશાયી થયા હતા.
 
આજીડેમ પાસે વીજળી પડતાં છ બહેનના એકના એક ભાઇનું કરુણ મૃત્યુ
મૃતક નર્સિંગમાં અભ્યાસ કરતો’તો: ભાણેજ પણ દાઝ્યો
રાજકોટ, તા. 21: આજીડેમ પાસેની રવિવારી બજારમાં વીજળી પડતા મૂળ મૂળીના વતની અને હાલ મોરબી રોડ પર કૈલાશ પાર્કમાં રહેતાં છ બહેનના એકના એક ભાઇ એવા 21 વર્ષના હરેશભાઇ ટપુભાઇ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે તેનો પાંચ વર્ષનો ભાણેજ સિધ્ધાર્થ સુખદેવભાઇ ટાંક દાઝી ગયો હતો.
નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો આ યુવાન સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે બહેન અને ભાણેજ સિધ્ધાર્થ ટાંક સાથે આજીડેમ પાસે ભરાતી રવિવારી બજારમાં આંટો દેવા માટે ગયો હતો. આ સમયે જ વરસાદી માહોલ સર્જાયો હતો અને એકાએક કડાકા  ભડાકા સાથે વીજળી  ચમકીને તેના માથે પડી હતી. આ યુવાન અને તેનો ભાણેજ દાઝી ગયા હતાં. બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. સબ ઇન્સ. વાઘેલાની તપાસમાં આ યુવાન છ બહેનનો એકનો એક ભાઇ હોવાનું અને તે નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું હતું. યુવાનના મૃત્યુના કારણે પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.
વીજળી ગુલ: જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડિયમ પાસેના વીજ ટ્રાન્સફોર્મરમાં વરસાદના કારણે ભડકો થયો હતો. બાદમાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
 
વાહનચાલકો માટે ચાલુ વરસાદે બાિતિં રૂટ ખુલ્લો રાખવો જરૂરી
રાજકોટ: રાજકોટમાં જ્યારે પણ એકથી દોઢ ઇંચ વરસાદ પડે કે તુરત સ્માર્ટ સિટીમાં ચોતરફ પાણી ભરાય છે. દોઢસો ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની આજુબાજુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાય છે. ટ્રેકની આસપાસના રસ્તામાં વાહનો સરળતાથી ચાલી શકતા નથી. આથી જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે બીઆરટીએસ ટ્રેક સામાન્ય વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવે તો વાહનચાલકોને પણ રાહત રહે. એક કે બે કલાક માટે અથવા પાણી ન ઓસરે ત્યાં સુધી બીઆરટીએસ ટ્રેક પર વાહનોની અવરજવરની છૂટ આપવી જોઈએ. ખાસ કરી મવડી ચોકડી, નાના મૌવા સર્કલ, રૈયા ચોકડી સહિતના ચોકમાં પાણી ભરાવાથી સ્થિતિ વિકટ બને છે. શહેરમાં જ્યારે સભા કે સરઘસ હોય ત્યારે આમપણ બીઆરટીએસ ટ્રેક ખુલ્લો રાખી વાહનોની અવરજવર કરાવવામાં આવે છે ત્યારે ચાલુ વરસાદે જ્યારે તંત્ર પાણી નિકાલમાં નિષ્ફળ ગયું છે ત્યારે આવી સુવિધા આપવી સ્માર્ટ સિટીમાં જરૂરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer