મૃતક નર્સિંગમાં અભ્યાસ કરતો’તો: ભાણેજ પણ દાઝ્યો
રાજકોટ, તા. 21: આજીડેમ પાસેની રવિવારી બજારમાં વીજળી પડતા મૂળ મૂળીના વતની અને હાલ મોરબી રોડ પર કૈલાશ પાર્કમાં રહેતાં છ બહેનના એકના એક ભાઇ એવા 21 વર્ષના હરેશભાઇ ટપુભાઇ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે તેનો પાંચ વર્ષનો ભાણેજ સિધ્ધાર્થ સુખદેવભાઇ ટાંક દાઝી ગયો હતો.
નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો આ યુવાન સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે બહેન અને ભાણેજ સિધ્ધાર્થ ટાંક સાથે આજીડેમ પાસે ભરાતી રવિવારી બજારમાં આંટો દેવા માટે ગયો હતો. આ સમયે જ વરસાદી માહોલ સર્જાયો હતો અને એકાએક કડાકા ભડાકા સાથે વીજળી ચમકીને તેના માથે પડી હતી. આ યુવાન અને તેનો ભાણેજ દાઝી ગયા હતાં. બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. સબ ઇન્સ. વાઘેલાની તપાસમાં આ યુવાન છ બહેનનો એકનો એક ભાઇ હોવાનું અને તે નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું હતું. યુવાનના મૃત્યુના કારણે પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.
વીજળી ગુલ: જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડિયમ પાસેના વીજ ટ્રાન્સફોર્મરમાં વરસાદના કારણે ભડકો થયો હતો. બાદમાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.