જામનગરમાં આવાસ અપાવી દેવાના બહાને 200 વ્યક્તિ સાથે છેતરપિંડી : બે સામે ફરિયાદ

ટુ  બીએચકે માટે રૂા.7800 અને વન બીએચકે માટે રૂા.5700નું એડવાન્સ ઉઘરાણું!

જામનગર, તા.21 : પ્રધાનમંત્રી આવાસ યેજના અંતર્ગત નિર્માણ પામેલા આવાસોમાં મકાનની લાલચ આપી આશરે 200 જેટલી વ્યક્તિ પાસેથી ટોકન પેટેની રોકડ રકમ ઉઘરાવી લીધા બાદ બે શખ્સો દ્વારા છેતરપિંડી આચરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા ગુલાબસિંહ ભીખુભા રાઠોડ ઉપરાંત ભાવેશભાઇ ગુજરાતી સહિતના કેટલાંક લોકોએ હાપા રેલવે સ્ટેશન પાસે શિવશક્તિ સોસાયટીમાં રહેતા પ્રવિણ ગઢવી અને સંજય રાવલ નામના શખસો વિરૂધ્ધ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, આ બંને શખસો શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા નિર્માણ કરાયેલા આવાસોમાં મકાન અપાવી દેવાની લાલચ આપી ટુ બીએચકે માટે રૂા.7800 તથા વન બીએચ કે માટે 5,700ની રકમ ઉઘરાવવામાં આવી હતી. આ માટેના ફોર્મ પણ ભરી આપ્યાં હતાં. પરંતુ ત્યાર બાદ આ બંને શખસો ફરાર થઇ ગયા હતાં.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પ્રવીણ ગઢવી અને સંજય રાવલ દ્વારા છેલ્લા એકાદ વર્ષ દરમિયાન લોકોને હાપા, લાલવાડી, મેહુલનગર, સરૂ સેક્શન રોડ પરના આવાસોમાં મકાન અપાવી દેવાની લાલચ આપી આશરે 200 જેટલી વ્યક્તિ સાથે નાણાંકીય છેતરપિંડી આચરાઇ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બંને શખસોની શોધખોળ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer