બોટાદમાં જાહેરમાં કચરો ફેંકતા ત્રણ દુકાનદારને દંડ ફટકારાયો

સીસીટીવી કંટ્રોલરૂમમાં મોનીટરીંગ કરી કાર્યવાહી

બોટાદ, તા.21 : બોટાદમાં જ્યાં-ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ત્રણ વેપારીઓને સીસીટીવી દ્વારા પકડી દંડ ફટકારવામાં આવતા જાહેરમાં કચરો ફેંકતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
બોટાદમાં નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ર3 જેટલા વાહનો દ્વારા રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. છતા અનેક ઈસમો જાહેરમાં કચરો ફેંકતા હોવાનું ધ્યાને આવતા પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. જેને લઈ શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી આવા શખસોને પકડવા કંટ્રોલરૂમમાં પાલિકાના એક કર્મચારીને મોનીટરીંગ માટે બેસાડાયા હતાં.
જેમાં આજે ભોલેનાથ આઈક્રીમ, કેદારનાથ પાંઉભાજી અને શ્રીનાથ પાંઉભાજી નામની દુકાનો દ્વારા જાહેરમાં કચરો ફેંકતા હોવાનું સામે આવતા તમામને રૂા.300નો દંડ ફટકારાયો હતો. આ કાર્યવાહીથી જાહેરમા કચરો ફેંકતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો. હાલ સીસીટીવી કેમરાથી આવા શખસો પર કડક નજર રાખી દંડની કાર્યવાહી કરાતી હોય જરૂર પડયે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરાશે તેમ પાલિકાના ચિફ ઓફિસરે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer