રાજકીય સન્માન સાથે શીલા દીક્ષિત પંચમહાભૂતમાં વિલીન

રાજકીય સન્માન સાથે શીલા દીક્ષિત પંચમહાભૂતમાં વિલીન
પક્ષાપક્ષી ભૂલીને નેતાઓએ અંતિમક્રિયામાં હાજરી આપી
નવીદિલ્હી, તા.21: કોંગ્રેસના વરિષ્ઠ અને ગાંધી પરિવારના વિશ્વાસુ નેતા શીલા દીક્ષિતના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. દિલ્હીના નિગમ બોધ ઘાટ ઉપર મોટી સંખ્યામાં ઉમટેલા પ્રશંસકો અને કોંગ્રેસના કાર્યકરો તથા નેતાગણની ઉપસ્થિતિમાં શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. તેમને અંતિમ વિદાય આપવા માટે યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
શીલા દીક્ષિતના સખત વિરોધી રહેલા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય માકનથી માંડીને પક્ષાપક્ષી ભૂલીને નેતાઓ અંતિમયાત્રામાં જોડાયા હતા અને નિગમ બોધ ઘાટ જઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાનાં અંતિમ સંસ્કારમાં શોકમગ્ન હાજરી આપી હતી.  આ પહેલા દિલ્હીમાં કોંગ્રેસનાં મુખ્યાલય 24 અકબર રોડ ખાતે દીક્ષિતનો નશ્વર દેહ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. જ્યાં સોનિયા ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી, મનમોહન સિંઘ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધસુમન અર્પણ કર્યા હતા. તેમને અંજલિ અર્પણ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી પણ પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ દિલ્હી આવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુષ્મા સ્વરાજે પણ અંતિમ દર્શન કર્યા હતા. ભાજપે આજે દિલ્હીમાં પોતાના તમામ સાર્વજનિક કાર્યક્રમો પણ મોકૂફ રાખી દીધા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer