જૂનાગઢ મહાપાલિકા ચૂંટણીમાં 49.68% મતદાન: કાલે ગણતરી

જૂનાગઢ મહાપાલિકા ચૂંટણીમાં 49.68% મતદાન: કાલે ગણતરી
સૌથી વધુ વોર્ડ-1 માં 66, સૌથી ઓછું વોર્ડ-11માં 36 ટકા
જૂનાગઢ, તા.21: મહાનગર પાલિકાની પ6 બેઠકોની આજે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 49.68 ટકા જેવું મતદાન નોંધાયું હતું. સૌથી વધુ વોર્ડ-1માં 66 ટકા અને સૌથી ઓછું વોર્ડ-11માં 36 ટકા મતદાન નોંધાયું હતું. નબળાં મતદાનથી ભાજપે આંચકો અનુભવ્યો છે. તા.23ના મતગણતરી યોજાશે.
મહાપાલિકાના 14 વોર્ડોની 56 બેઠકો ઉપર 159 ઉમેદવારોનું આજે સવારથી 277 મતદાન મથકો ઉપર 2.22 લાખ મતદારોએ રાજકીટ ભાવિ ઘડવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ મતદાનના પ્રારંભે વરસાદ વિલન બન્યો હતો. જો કે મતદારોમાં જ નિરુત્સાહ હતો.  પ્રથમ બે કલાકમાં 6થી 7 ટકા જ મતદાન નોંધાયું હતું. નબળાં મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા પોતાના કાર્યકરોને શેરી-ગલીઓમાં  (જુઓ પાનું 10)
ઉતારી મતદારોને મતદાન મથક સુધી લાવવા કવયત હાથ ધરાઈ હતી પણ તેમાં જોઈએ તેવી સફળતા મળી ન હતી.
આજે યોજાયેલ મતદાનમાં પછાત અને અશિક્ષિત લોકોના ટોળાએ મતદાન મથકોએ કતારો લગાવી હતી પરંતુ શિક્ષિત સમાજના વસ્તીવાળા વિસ્તારોમાં નિરુત્સાહ દેખાયો હતો અને આવા વિસ્તારોમાં પક્ષના પ્રતિક કરતા ઉમેદવારની પ્રતિભાને અગ્રતા આપવામાં આવી હોવાનું મતદારોમાં સાંભળવા મળ્યું હતું. દર બે કલાકે માંડ દસ ટકા જેવો મતદાનમાં વધારો થયો હતો.
મહાપાલિકાની આજે યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ વાઇઝ મતદાન ઉપર નજર કરીએ તો વોર્ડ-1માં 66.36 ટકા, વોર્ડ-2માં 54.03 ટકા, વોર્ડ-4માં 58.30 ટકા, વોર્ડ-5માં 45.20 ટકા, વોર્ડ-6માં 52.80 ટકા, વોર્ડ-7માં 42.58 ટકા, વોર્ડ-8માં 56.13 ટકા, વોર્ડ-9માં 47.80 ટકા, વોર્ડ-10માં 39.48 ટકા, વોર્ડ-11માં 36.20 ટકા, વોર્ડ-12માં 50.13 ટકા, વોર્ડ-13માં 46.78 ટકા, વોર્ડ-14માં 49.12 ટકા અને વોર્ડ-15માં 57.01 ટકા મતદાન નોંધાયું છે.
કોર્પોરેશન ચૂંટણીનાં ઇતિહાસમાં આ સૌથી ઓછું મતદાન છે. આ નબળાં મતદાનથી રાજકીય પક્ષોના ગણિત ખોટા પડે તો નવાઈ નહીં. આગામી તા.23ના રોજ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે ત્યારે લોક ચુકાદો સામે આવશે.
---------
જૂનાગઢ જિલ્લા પંચાયત પેટા  ચૂંટણીમાં સરેરાશ 56.52% મતદાન
જૂનાગઢ જિલ્લા પંચાયત પેટા ચૂંટણી આજે યોજાયેલ તેમાં એક જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયતમાં સરેરાશ 56.52 ટકા મતદાન યોજાયું હતું.  વડાલ બેઠક સભ્ય પ્રવિણ કોઠિયાના અવસાનથી ખાલી પડી હતી. આ બેઠક ઉપરાંત જૂનાગઢ તાલુકા પંચાયતની સુખપુર અને વિસાવદર તાલુકા પંચાયતની મોણિયા બેઠકની આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. વડાલ જિલ્લા પંચાયત બેઠકમાં 21484 મતદારોમાંથી 10825 મતદારોએ મતદાન કરતા 50.43 ટકા મતદાન નોંધાયું. જયારે સુખપુર તા.પં.બેઠક ઉપર કુલ 4610 મતદારોમાંથી 2454 મતદારોએ મતદાન કરતા 53.23 ટકા અને મોણિયા તા.પંચાયત બેઠક ઉપર કુલ 5417 મતદારોમાંથી 3213 મતદારોએ મતદાન કરતા 59.31 ટકા મતદાન થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer