ઝારખંડમાં ટોળાનો હિંસાચાર: દંડાથી પીટીને ચારની હત્યા

ઝારખંડમાં ટોળાનો હિંસાચાર: દંડાથી પીટીને ચારની હત્યા
તંત્ર-મંત્રની શંકાથી ઉશ્કેરાયેલા ટોળાએ વહેલી પરોઢે નિર્મમ હત્યા કરી નાખી
નવી દિલ્હી, તા. 21 : દેશમાં ટોળાં દ્વારા હિંસાના વધુ એક બનાવમાં જાદુટોણાની આશંકાથી ઉશ્કેરાયેલાં ટોળાંએ ઝારખંડના ગુમલા વિસ્તારમાં એક મહિલા સહિત ચાર જણની લાકડી-દંડાથી નિર્મમપણે માર મારીને હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી મુજબ રવિવારની સવારે લોકોની આંખ પણ નહોતી ખૂલી ત્યારે ગુમલાના શિકારી ગામમાં ચાર લોકોની હત્યા કરી નખાઈ હતી. આજે વહેલી પરોઢે ત્રણ વાગ્યે આ હત્યા કરાઈ હતી. આ મામલામાં લગભગ 12 લોકો પર હત્યાનો આરોપ છે. ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસવડા અંજનિકુમારે કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ પીડિતો તંત્ર-મંત્રમાં સામેલ હતા, તેવું જાણવા મળે છે.
-----------
પોલીસને બદલે આતંકીઓ ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે: કાશ્મીર રાજ્યપાલ મલિક
નવીદિલ્હી,તા.21: જુમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિક આજે આતંકવાદ વિશે આક્રમક નિવેદનબાજી કરવામાં વિવેક ચૂકી ગયા હતાં અને વિવાદાસ્પદ વિધાન કરી બેઠા હતાં. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓએ પોલીસકર્મીઓનાં બદલે ભ્રષ્ટ નેતાઓ અને નોકરશાહોની હત્યા કરવી જોઈએ. કારગિલ યુદ્ધ વિજયનાં 20 વર્ષ પૂર્ણ થતાં શહીદોની વીરતાને નમન કરવાં માટે યોજાઈ રહેલા કાર્યક્રમો પૈકી એક કાર્યક્રમ માટે કારગિલ ગયેલા રાજ્યપાલ મલિકે પોતાનાં ઉદ્દબોધન દરમિયાન તેઓ આ વિવાદાસ્પદ નિવેદન કરી બેઠા હતાં. ઉલ્લેખનીય છે કે મલિક આવી વિવાદાસ્પદ નિવેદનબાજી માટે જાણીતા છે. તેમણે અનેકવાર પોતાની ટિપ્પણીઓથી સરકારની મુશ્કેલીમાં પણ વધારો કરેલો છે. આ પહેલા જાન્યુઆરીમાં તેમણે કહેલું કે, કોઈપણ આતંકવાદી મરાય ત્યારે પણ તેમને પીડા થાય છે. પોલીસ પોતાનું કામ સારું કરે છે પણ આતંકી સહિત કોઈનો પણ જીવ જાય ત્યારે તકલીફ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer