મેહનો પહેલો નેહ

મેહનો પહેલો નેહ
સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પહેલો સાર્વત્રિક વરસાદ
3 ઈંચ સુધી વરસાદ, મુરઝાતી મોલાતને જીવતદાન : 48 કલાક ભારે વરસાદની આગાહી
અમદાવાદ/રાજકોટ, તા.ર1 : રાજ્યમાં ઉત્તર મધ્યપ્રદેશ નજીક અને મધ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સરક્યુલેશનનની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે અને હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી પંથકમાં અણીના સમયે અડધાથી ત્રણ ઈંચ જેટલી મેઘકૃપા થઈ છે. રવિવારે સવારથી ગાજ-વીજ સાથે વરસેલા વરસાદને કારણે મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું છે. 
ભાવનગર જિલ્લામાં વીજળીના ઘોર કડાકા-ભડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી હતી. શહેરમાં સવા બે ઈંચ, ઉપરાંત પંથકના ઉમરાળામાં સવા બે, વલભીપુરમાં બે, ઘોઘા અને જેસરમાં દોઢ, ગારીયાધાર અને પાલીતાણામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.  નોંધણવદર ગામનું શિવસાગર તળાવ ઓવરફ્લો થયું હતું. સોરઠ પંથકમાં વિસાવદરમાં ત્રણ, ભેસાણમાં અઢી, વંથલી અને માળીયામાં એક-એક, માણાવદર, જૂનાગઢ અને કેશોદમાં પોણો અને માંગરોળમાં અડધો ઈંચ વરસાદ વરસતા મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું હતું. ગરવા ગઢ ગીરનારે હરીયાળી ચાદર ઓઢી લીધી છે. વડીયા, બિલખામાં પણ મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગાજવીજ સાથે બે ઈંચ જળવર્ષા થઈ હતી. આસપાસના ગામોમાં પણ નોંધપાત્ર વરસાદ થતા લોકોના જીવને ટાઢક પહોંચી હતી.
ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર, ઉનામાં વરસાદી માહોલ રહ્યો હતો. યાત્રાધામ દ્વારકામાં મેઘ મહેર થઈ હતી. બોટાદના ગઢડા, ઢસા, જલાલપુર, માલપરા, ભંડારીયા, રસનાળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
રાજકોટ જિલ્લામાં ભારે બફારા બાદ સાંજના સુમારે વરસાદ વરસી પડયો હતો. જેમાં શહેરમાં બે ઈંચ, ઉપલેટામાં અડધો ઈંચ, કોટડા સાંગાણીમાં દિવસ દરમિયાન ત્રણ, ગોંડલમાં સવા, જેતપુરમાં એક, જસદણમાં અડધો, ધોરાજીમાં દોઢ, પડધરીમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. વીંછીયા, જામકંડોરણામાં ઝાપટાં પડયા હતા.
વરસાદ અને પાણીની અછત ભોગવતા સુરેન્દ્રનગર જિલ્લામા છુટોછવાયો વરસાદ થયો હતો. ચોટીલામાં અડધો ઈંચ અને થાનમાં પા ઈંચ જળવર્ષા થઈ હતી. તાતી જરૂરીયાતના સમયે જ મેઘ મહેરથી ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકવા જેવી ખુશાલી વ્યાપી ગઈ હતી. અમરેલી પંથકમાં વરસાદને કારણે રામવાળાની વાવડી નદીમાં પુર આવ્યું છે. નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. સાવરકુંડલામાં ચરખડીયા ચેક ડેમ ઓવરફ્લો થયો છે. બગસરા, લિલિયા, દામનગર, લાઠી, રામપર, તાજપરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
કચ્છમાં વરાડીયા, કોઠરા, સુથરી, મથલ, કોટડામઢમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના નખત્રાણા, અબડાસામાં વરસાદી માહોલ છવાયો છે.
મધ્ય ગુજરાતમાં વડોદરામાં પખવાડીયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. જંબુસર સવિયામાં ખેતીને જીવતદાન મળ્યું હતું. આણંદના વિદ્યાનગર, કરમદસ, બાકરોલ, લાભવેલ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. ગોધરામાં લાંબા સમયબાદ વરસાદનું આગમન થયું હતું. બનાસકાંઠા પંથકમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. પાટણ પંથક, અંબાજીમા છુટાછવાયા વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે અને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ધોરાજીમાં વીજળી પડતા વૃક્ષ બળી ગયું હતું, સાવરકુંડલામાં ટ્રાન્સ્ફોર્મર પર વીજળી પડી હતી. મોટા ઝીંઝુડા અને બાઢડામાં ઘર પર વીજળી પડી હતી. જેથી આર્થિક નુકસાન થયું હતું. સદભાગ્યે જાનહાનિ ટળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer