40 વર્ષની ઉંમરે પેકિયાઓએ જીત્યો |બફ ખિતાબ

40 વર્ષની ઉંમરે પેકિયાઓએ જીત્યો |બફ ખિતાબ
કિથ થરમનને પછાડી જીત્યા 137 કરોડ રૂપિયા
લાસ વેગાસ, તા. 21 : ફિલિપિન્સના દિગ્ગજ બોક્સ મેની પેકિયાઓઁ શનિવારે કિથ થરમનને હરાવીને બોક્સિંગ ઈતિહાસમાં સૌથી વધુ વયનો બોક્સર બન્યો હતો.  આ જીત સાથે પેકિયાઓએ અંદાજીત 2 કરોડ ડોલર એટલે કે 137 કરોડ  રૂપિયાની જીતની રકમ પણ મેળવી હતી. પેકિયાઓએ 14356 દર્શકોની ક્ષમતા ધરાવતા એમજીએફ ગ્રાન્ડ ગાર્ડન અરિનામાં રોમાંચક મુકાબલામાં થરમનને પછાડયો હતો.  40 વર્ષના પેકિયાઓએ જીત બાદ કહ્યું હતું કે, આ મુકાબલો મજેદાર રહ્યો હતો. વિપક્ષી બોક્સર એક સારો ફાઈટર છે અને મુકાબલામાં મજબૂતિથી સામનો કર્યો હતો. હવે પેકિયાઓનો રેકોર્ડ 62-7-2 થયો છે. જેમાં 39 નોકઆઉટ જીત પણ સામેલ છે. 30 વર્ષિય તરમન આ મુકાબલા પહેલા અજેય હતો. પેકિયાઓએ પહેલા જ દોરમાં થરમનને રિંગમાં પછાડી દીધો હતો અને પછી 12 રાઉન્ડ સુધી મોટા ભાગે થરમન ઉપર હાવી રહ્યો હતો. થરમને અંતિમ તબક્કામાં વાપસી કરી હતી પણ જજએ પેકિયાઓના પક્ષમાં ફેંસલો આપ્યો હતો.
--------
વિશ્વકપ ફાઈનલમાં ઓવરથ્રોની ભૂલનો રંજ નથી : ધર્મસેના
કોલંબો, તા. 21 : વિશ્વકપમાં ઓવર થ્રોના વિવાદાસ્પદ 6 રન આપ્યા બાદ પહેલી વખત અમ્પાયર કુમાર ધર્મસેનાએ ભૂલનો સ્વીકાર કર્યો છે. આ સાથે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરે એમ પણ કહ્યું હતું કે, તેને ભૂલનો કોઈ રંજ રહેશે નહીં. બીજો રન દોડવાના પ્રયાસમાં બેન સ્ટોક્સના બેટ સાથે બોલ અડીને બાઉન્ડ્રી બહાર ચાલી ગયો હતો. જેમા ધર્મસેનાએ પાંચને બદલે ઈંગ્લેન્ડના સ્કોર બોર્ડમાં 6 રન જોડવાનો ઈશારો કર્યો હતો. આ મેચ ટાઈ રહી હતી અને બાદમાં સુપર ઓવરમાં પણ બન્ને ટીમે સમાન રન કર્યા હતા. જેથી વધુ બાઉન્ડ્રીના નિયમના હિસાબે ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હતું. અમ્પાયરના આ ફેંસલાથી ન્યુઝિલેન્ડના ખેલાડીઓ હેરાન હતા. ધર્મસેનાએ આ મામલે કહ્યું છે કે, ટીવી રિપ્લે જોઈને ટિપ્પણી કરવી સરળ હોય છે. ભૂલ થઈ  છે પણ મેદાનમાં ટીવી રિપ્લે જોવાની સહૂલિયત નહોતી અને આ ભૂલનો કોઈ રંજ રહેશે નહી. આઈસીસીએ પણ તે સમયે કરેલા નિર્ણયની સરાહના કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer