ઈન્ડોનેશિયા ઓપનના ફાઈનલમાં સિંધુની હાર

ઈન્ડોનેશિયા ઓપનના ફાઈનલમાં સિંધુની હાર
જાપાનની અકાને યામાગુચી બની વિજેતા
નવી દિલ્હી, તા. 21 : ભારતની શિર્ષ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો છે. રિયો ઓલિમ્પિકની રજત પદક વિજેતા સિંધુને રવિવારે રમાયેલા મહિલા એકલ વર્ગના ફાઈનલમાં જાપાનની અકાને યામાગુચીએ 21-15, 21-16થી હરાવી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે મુકાબલો 51 મિનિટ સુધી ચાલ્યો હતો જેમાં સિંધુને ઉપવિજેતા બનીને સંતોષ કરવો પડયો હતો.
પહેલી ગેમમાં ભારતીય ખેલાડીએ શાનદાર શરૂઆત કરી હતી અને એક સમયે .સ્કોર 8-8થી બરાબર રહ્યો હતો. ત્યારબાદ સિંધુએ 11-8થી સરસાઈ બનાવી હતી. જો કે યામાગુચીએ દમદાર વાપસી કરીને સિંધુને કોઈ તક ન આપતા 21-15થી ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં પણ સિંધુએ યામાગુચીને ટક્કર આપી હતી જો કે જીત મેળવી શકી નહોતી. અગાઉ સેમિફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા પીવી સિંધુએ ચીનની ચેન યૂ ફેઈને 21-19, 21-10થી હરાવી હતી.
------------ભારતીય ક્રિકેટરે પરિવાર સંબંધિત નિયમ તોડયો
નવી દિલ્હી, તા. 21 : ભારતીય ક્રિકેટ ટીમનો એક વરિષ્ઠ સભ્ય વિશ્વકપ દરમિયાન બીસીસીઆઈના પરિવાર સંબંધિત નિયમના ભંગને લઈને સવાલના ઘેરામાં આવ્યો છે. આ ખેલાડીએ પોતાની પત્ની  સાથે 15 દિવસની નિયત અરજી કરતા વધુ સમય સુધી સાથે રહેવાની અપીલ કરી હતી પણ નિયમ બનાવનારી  પ્રશાસકોની સમિતિએ ઈનકાર કરી દીધો હતો. હવે સામે આવ્યું છે કે આ ખેલાડીની પત્ની ટૂર્નામેન્ટ દરમિયાન પૂરા સાત અઠવાડિયા સુધી સાથે રહી હતી અને તેના માટે કેપ્ટન કે કોચની મંજૂરી પણ લેવામાં આવી નહોતી.  સીઓએએ ત્રણ મેના થયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી હતી અને અનુરોધને સ્વિકૃતિ આપી નહોતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer