આવાસ યોજનામાં ભાડૂઆત રાખનારનો ફ્લેટ સીલ કરાશે

સઘન ચેકિંગ માટે રચેલી 6 ટીમોને કડક કાર્યવાહી માટે મ્યુનિ.કમિશનરનો સ્પષ્ટ આદેશ
ચેકિંગ વખતે ફ્લેટને તાળા મારીને નાસી જનારા ભાડૂઆતો સામે પણ થશે કડક કાર્યવાહી
રાજકોટ તા.18 : કોર્પોરેશન હસ્તકની આવાસ યોજનામાં ફ્લેટ ભાડે આપનારા મૂળ મકાનમાલિકોની મિલકતોને સીલ મારવાનો આદેશ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ પોતે રચેલી 6 ટીમોના અધિકારીઓને
આપ્યો છે.
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશને બનાવેલી આ આવાસ યોજનાઓમાં બારોબાર ફ્લેટ ભાડે આપવાની પ્રવૃત્તિ અંગે ઉઠેલી ફરિયાદો બાદ તંત્રએ સઘન ચેકિંગ માટે 6 ટીમોની રચના કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ અધિકારીઓ જ્યારે ચેકિંગ અર્થે જાય છે ત્યારે અમૂક આવાસ યોજનાઓમાં કેટલાક ભાડૂઆતો પોતાના મકાનને તાળા મારીને બહાર જતાં રહે છે જેના કારણે ખરેખર એ ફ્લેટ ભાડે આપવામાં આવ્યો છે કે કેમ ? તે જાણવું કઠીન બની રહે છે. આ સમસ્યાના નિરાકરણ અર્થે આજરોજ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ આવા કોઈપણ શંકાસ્પદ જણાતા ફ્લેટની બહાર તાળું માર્યુ હોય તે તાળા ઉપર સીલ મારવાનો આદેશ જારી કર્યો છે અને આવા ભાડૂઆતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે.
મનપા નિર્મિત આવાસ યોજનાઓ
(1) છત્રપતિ શિવાજી ટાઉનશીપ (2) લોકમાન્ય તિળક ટાઉનશીપ (3) ખુદીરામ બોઝ ટાઉનશીપ (4) ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ (5) સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ (6) મંહારાણા પ્રતાપ ટાઉનશીપ (7) નરસિંહ મહેતા ટાઉનશીપ (8) લાલબહાદુર શાત્રી ટાઉનશીપ (9) મહર્ષિ અરવિંદ ટાઉનશીપ (10) વીર સાવરકર ટાઉનશીપ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer