મેયરના વોર્ડમાં વૃક્ષારોપણના કાર્યક્રમને લાગ્યો રાજકીય રંગ

કોંગી કોર્પોરેટર મનસુખ કાલરિયાએ તૈયારી જોઈ ઝાડવા રોપી દીધાનો મેયરનો આક્ષેપ : કાલરિયા કહે છે મેયરને બધે રાજકારણ દેખાય છે
રાજકોટ તા.18 : મનપાના વૃક્ષારોપણના કાર્યક્રમોમાં રાજકીય વિવાદો અવારનવાર ઉઠવા પામે છે ત્યારે વધુ એક કિસ્સામાં શહેરના વોર્ડ નં.10માં એક માત્ર કોંગી કોર્પોરેટર મનસુખ કાલરિયાએ એકાએક વૃક્ષારોપણ કરી નાખ્યાં બાદ આજરોજ મેયર સહિતના પદાધિકારીઓએ સત્તાવાર રીતે કાર્યક્રમ યોજીને કોંગી કોર્પોરેટરો માત્ર નાટક કરતા હોવાનું જાહેર કર્યુ હતું.
મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.10ની શિવ આરાધ્યા સોસાયટીના રહેવાસીઓ દ્વારા વૃક્ષારોપણની રજુઆત અનુસંધાને શાસક કોર્પોરેટર દ્વારા જરૂરી પિંજરા, રોપા, ખાડાઓ વિગેરેની વ્યવસ્થા કરવામા આવી હતી. આ વ્યવસ્થા જોઈને વોર્ડ નં.10ના જ કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરિયાએ વૃક્ષ વાવી અને પોતે કામગીરીના ફોટા પાડી લિંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે તેમની પાસેથી આવું નાટક શીખવા જેવું છે. દરમિયાન આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મનસુખભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ પોતાની ગ્રાન્ટમાંથી વૃક્ષારોપણ માટે ટ્રી-ગાર્ડ આપ્યાં હતાં અને સોસાયટીના લોકોએ તેમને બોલાવતા તેઓ સ્થળ પર ગયાં હતાં. મેયરને દરેક બાબતમાં રાજકારણ દેખાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer