શિવ શક્તિ ટી સ્ટોલ, જય બજરંગ હોટલનો ચાનો થડો તેમજ વર્ધમાન નગર-2માં છાપરાનું દબાણ હટાવાયું
રાજકોટ તા.18 : મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ વોર્ડ નં.2 રેસકોર્સ રીંગ રોડ તથા વોર્ડ નં.7માં પેલેસ રોડ પર પાર્કિગમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.
ટીપીઓ સાગઠિયાના જણાવ્યાનુસાર રેસકોર્સ રીંગ રોડ પર આવેલા નાથ કોમ્પ્લેક્ષ પાર્કીંગમાં થયેલી આડસ, કેવેન્ટર્સમાં પાર્કીંગમાં મૂકવામાં આવેલ લાકડાની ગ્રીલ, શિવ શક્તિ ટી સ્ટોલ નામની રોડ પરની ચાની કેબીન, આદર્શ સોસાયટીના ખૂણે ચાનો થડો, રૂદ્ર પ્રયાગ બિલ્ડીંગ પર રોડ પરનું શાઈન બોર્ડ, જય બજરંગ હોટેલનો રોડ પાર્કીંગમાં ચાનો થડો, રેસકોર્સ પ્લાઝા તથા યુનિયન બેન્કનો પાર્કિંગમાં અડચણરૂપ પડતર સામાન, પંચમુખી પાણીપૂરીનું ઓટાનું બાંધકામ અને છાપરા દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પેલેસ રોડ પર વર્ધમાન નગર-2માં જાહેર રસ્તા પર ઉભા કરાયેલા છાપરાના દબાણો હટાવવામાં આવ્યાં છે. દબાણ હટાવ શાખાના અધિકારીઓ દ્વારા જુદા-જુદા આસામીઓ પાસેથી રૂ. 16,300 તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રૂ.2,800નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યાં છે. કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાનો સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ ઉપરાંત દબાણ હટાવ શાખા, રોશની શાખા, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
રેસકોર્સ રોડ પર પાર્કિંગમાં થયેલા 9 દબાણ હટાવાયા
