રાજકોટમાં મેઘરાજાની સરપ્રાઈઝ વિઝિટ : પોણા બે ઈંચ જળવર્ષા

રાજકોટમાં મેઘરાજાની સરપ્રાઈઝ વિઝિટ : પોણા બે ઈંચ જળવર્ષા
નિર્મલા રોડ-નવા રાજકોટમાં પોણા બે ઈંચ, મધ્ય વિસ્તારમાં પોણો, અન્યત્ર ઝાપટાં: મોસમનો કુલ વરસાદ પોણા ચાર ઈંચ
રાજકોટ, તા. 18 : મનમોજી મેઘરાજાને મોડી સાંજે રાજકોટ પર હેત આવી જતાં વગર આગાહીએ વરસી પડયા હતા. સાંજે પોણા સાત વાગ્યાથી સવા-દોઢ કલાક વરસેલા મેઘરાજાએ નવા રાજકોટ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ વાળા રોડ પર પોણા બે ઈંચ જળવર્ષા કરી હતી. જ્યારે મધ્ય રાજકોટમાં પોણો ઈંચ અને અન્યત્ર ઝાપટાં પડયા હતા. મેઘરાજાની આ સરપ્રાઈઝ વિઝિટથી શહેરીજનો વર્ષાથી બચવા રેઈનકોટ-છત્રીની તૈયારીના અભાવે અને વરસાદના આગમનની ખુશાલીમાં લથબથ ભીંજાઈ ગયા હતા. આ સાથે મોસમનો કુલ વરસાદ પોણા ચાર ઈંચ થયો છે.
ફાયર બ્રિગેડની કચેરીના જણાવ્યા અનુસાર નિર્મલા રોડ પર 4ર મિમિ.,  સેન્ટ્રલ રાજકોટમાં 18 મિમિ. અને બેડીપરામાં 9 મિમિ. વરસાદ વરસ્યો હતો. જ્યારે શહેરની હવામાન કચેરીના જણાવ્યા પ્રમાણે સરેરાશ 14.ર મિમિ વરસાદ વરસ્યો હતો. જો કે ધોધમાર વરસાદ બાદ પણ છુટાછવાયા સ્થળે ઝરમર વર્ષા ચાલુ રહી હતી.
રાજકોટમાં કેટલાયે દિવસથી ભારે બફારો અને ગરમીમાં લોકો પરેશાન થઈ રહ્યા હતા. ઉપરથી નજીકના દિવસોમાં વરસાદના કોઈ એંધાણ ન હોવાનું હવામાનના નિષ્ણાતો જણાવતા હતા. આજે વરસાદ આવશે એવું કોઈએ વિચાર્યું ન હતું, પરંતુ સરપ્રાઝ આપવા ટેવાયેલા મેઘરાજાએ બધાના આશ્ચર્ય વચ્ચે પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસાવતા અસહ્ય ગરમીમાંથી છુટકારો થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જનહૈયે ટાઢક અને હાશકારો થયો હતો. સાથે નજીવા વરસાદથી રાજમાર્ગો પર પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખૂલી થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer