રાજકોટમાં 3.50 કરોડનું સોનું લઇ બે બંગાળી કારીગર છૂ

રાજકોટમાં 3.50 કરોડનું સોનું લઇ બે બંગાળી કારીગર છૂ
દસ વેપારી પાસેથી દાગીના બનાવી દેવાના બહાને દસ કિલો જેટલું સોનું એકત્ર કર્યું’તું
સસ્તી મજૂરીથી દાગીના બનાવવા જતાં વેપારીઓ ફસાયા
રાજકોટ, તા. 18: શહેરની સોની બજારમાંથી દાગીના બનાવવા માટે સોનું લઇને બંગાળી કારીગરો નાસી જતાં હોવાના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દસ વેપારીનું રૂ. સાડા ત્રણ કરોડનું સોનું લઇને બે બંગાળી કારીગર નાસી ગયા હતા.
સોનીબજારના વેપારીઓ સોનું લઇને નાસી ગયેલા કારીગરો અંગે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. આ વેપારીઓએ ઇન્ચાર્જ સંયુક્ત કમિશનર અજયકુમાર ચૌધરીને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં એવું જણાવ્યું હતું કે, હાથીખાનામાં રહેતા અસરફઅલી અને મોહીદુન ઉર્ફે મોહિનઅલી જુદા જુદા દસ વેપારી પાસેથી રૂ. સાડા ત્રણ કરોડની કિંમતનું દસ કિલો જેટલું સોનું લઇને નાસી ગયા છે. આ વેપારીઓના જણાવ્યા પ્રમાણે સોનીબજારની સવજીભાઇની શેરીમાં પાટડિયા ચેમ્બરમાં દુકાન ભાડે રાખીને મોહિદુન ઉર્ફે મોહિનઅલીએ દાગીના બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તે સસ્તી મજૂરીથી દાગીના બનાવી દેવાનું કામ કરતો હતો. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે તે સમયસર દાગીના બનાવીને આપી દેતો હતો. આ રીતે વેપારીઓ પાસેથી બે કિલો જેટલું સોનું દાગીના બનાવી દેવાના બહાને એકત્ર કર્યું હતું. આ જ રીતે દાનાભાઇની ચેમ્બરમાં કામ કરતાં અસરફઅલી વેપારીઓ પાસેથી આઠેક કિલો સોનું મેળવ્યું હતું. દસ વેપારીઓનું અંદાજે રૂ. સાડા ત્રણ કરોડની કિંમતનું સોનું એકત્ર કરીને એ બન્ને કારીગરો પલાયન થઇ ગયા હતા. આ બન્નેને તાકીદે ઝડપી લેવાની વેપારીઓએ માગણી કરી હતી. ગ્રાહકોને ઉધારીમાં માલ આપવામાં અચકાતા સોની વેપારીઓ દાગીના બનાવવા માટે મોટાભાગે બંગાળી કારીગરો પર ભરોસો રાખે છે. આ કારીગરોની પૂરતી તપાસ કર્યા વગર જુદા જુદા દાગીના બનાવવા માટે સોનું આપી દે છે. બંગાળી કારીગરો પણ વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે સસ્તી મજૂરીથી દાગીના બનાવી આપે છે અને બની ગયેલા દાગીના સમયસર વેપારીને આપી દે છે. તેના કારણે વેપારીઓ તેના પર વિશ્વાસ રાખવા લાગે છે. બાદમાં બંગાળી કારીગર મોટી માત્રામાં સોનું હાથમાં આવી ગયા બાદ સોનું લઇને નાસી જાય છે. આ રીતે બંગાળી કારીગરો સોનું લઇને નાસી ગયાના સંખ્યાબંધ બનાવ બન્યા છે. આમછતાં સોની વેપારીઓ બંગાળી કારીગરો પર જ વિશ્વાસ રાખે છે. બંગાળી કારીગરો કોઇ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે કે નહીં તેની તપાસ માટે પોલીસ કાર્યવાહી શરૂ કરે તે સાથે જ સોની વેપારીઓ તેનો વિરોધ કરે છે. ભાડે રહેતા કેટલાય બંગાળી કારીગરોએ ભાડા કરારના આધારે આધાર કાર્ડ, રેશન કાર્ડ મેળવી લીધાનું પણ જણાવાય છે. તો કેટલાય કારીગરોએ રામનાથપરા અને હાથીખાના વિસ્તારમાં ઘરનાં ઘર પણ લઇ લીધાં છે. ચોક્કસ કોમના બંગાળી કારીગરો પૈકીના કેટલાક બંગ્લાદેશના પણ હોવાની શક્યતા છે.
--------------
સુરત હીરા બજારમાં વેપારી 45 લાખના હીરા લઇ પલાયન
સુરત, તા. 18: શહેરના મહિધરપુરા હીરા બજાર ખાતે ઓફિસ ચલાવતા એક વેપારીએ કારખાનેદાર પાસેથી તૈયાર હીરા ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ ચૂકવ્યા વિના ઓફીસે તાળા મારી નાસૂ છૂટતા લેણદાર વેપારીઓ દોડતા થઇ ગયા હતા અને આ અંગે શહેરના કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી છે.
વેડરોડ બ્રહ્માંડ રેસીડેન્સીમાં રહેતા  હિંમતભાઇ પરશોતમભાઇ માણીયા કતારગામ નંદુડોશીની વાડી ખાતે મીરામ્બીકા ડાયમંડ નામે યુનિટ  ચલાવે છે.  તેમની પાસેથી ગત જાન્યુઆરી માસમાં મહિધરપુરા હીરા  બજારના ડાયમંડ વિલેજ ખાતે ઓફિસ ધરાવતા પિયુષ રમેશચંદ્ર ઉપાધ્યાયે અલગ અલગ તબકકે કુલ રૂપિયા  45,37,000ની કિમંતના હીરાની ઉધાર ખરીદી  કરી હતી. હીરાની ખરીદી કર્યા બાદપિયુષ ઉપાધ્યાય પાસે હિંમતભાઇએ વારવાંર ઉઘરાણી કરી હતી પરતું પેમેન્ટ મળ્યું ન હતું.આખરે હિંમતભાઇ દ્વારા અન્ય લોકો મારફત પિયુષ  પર દબાણ  કરવામાં આવતા તેણે પેમેન્ટ ચૂકવવાને બદલે  પોતાની ઓફીસને તાળા મારી નાસી છૂટયો હતો.
પિયુષ ઉપાધ્યાય મુળ  સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વેરાબર  ગામનો વતની  છે અને સુરતમાં તે સિધ્ધી એલીક્ષ ભીમરાડ ગામમાં હાલ રહે છે. પિયુષ પાસે મહિધરપુરા  બજાર ઉપરાંત, વરાછા રોડની મીની હીરા બજારના કેટલાક વેપારીઓ અને દલાલોના પણ રૂપિયા ફસાયા હોવાનું બજારના સૂત્રોનું કહેવું છે.  હાલમાં કતારગામ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer