અયોધ્યા કેસ ઈં મધ્યસ્થતાના રિપોર્ટ બાદ 2 ઓગસ્ટથી સુનાવણી

અયોધ્યા કેસ ઈં મધ્યસ્થતાના રિપોર્ટ બાદ 2 ઓગસ્ટથી સુનાવણી
સુપ્રીમે 31 જુલાઈ સુધીમાં અંતિમ રિપોર્ટ જમા કરાવવા કમિટિને આદેશ આપ્યો
નવી દિલ્હી, તા. 18: અયોધ્યામાં રાજનીતિક રૂપે સંવેદનશિલ રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદમાં દરરોજ સુનાવણી થશે કે વાતચીતનો રસ્તો ખુલ્લો રહેશે તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા 2 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ સુધીમાં ફાઇનલ રીપોર્ટ જમા કરાવવા કહ્યું છે. ત્યારબાદ જ દરરોજ સુનાવણી અંગે ફેંસલો કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતા કહ્યું હતું કે, કોર્ટને જસ્ટિસ એફ.એમ.આઈ કલીફુલ્લાનાં નેતૃત્વની ત્રણ સભ્યોની પેનલનો રીપોર્ટ મળ્યો છે. કોર્ટ રીપોર્ટને ચકાસી રહી છે. પેનલને 31 જુલાઈ સુધી વાતચીત ચાલુ રાખવા પણ કહેવામાં આવ્યું છે. કોર્ટે અગાઉ 25 જુલાઈની તારીખ ઝડપી સુનાવણી માટે નક્કી કરી હતી. હવે કોર્ટ 2 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની (જુઓ પાનું 10)
અધ્યક્ષતાની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે 11 જુલાઈના આ મુદ્દે રીપોર્ટ માગ્યો હતો અને કહ્યું હતું કે, જો અદાલત મધ્યસ્થતા કાર્યવાહી પૂરી કરવાનો ફેસલો કરે તો 25 જુલાઈથી રોજિંદા આધારે સુનાવણી શરૂ થઈ શકે છે. ખંડપીઠમાં જસ્ટિસ એસ.એસ. બોબડે, જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ. નજીર પણ સામેલ છે.
---------
માયાવતીના ભાઈનો 4 અબજનો પ્લોટ ટાંચમાં લેતું આવકવેરા
નવી દિલ્હી તા. 18: આવકવેરા વિભાગે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સર્વેસર્વા માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેમના પરિવારની માલિકીની,  આશરે રૂ. 400 કરોડની કિંમતના હોવાના બેનામી જમીન પ્લોટને આજે ટાંચમાં લીધો છે. યુપીના નોઈડામાંનો 7 એકરની આ જમીનને ટાંચમાં લેવાનો હંગામી આદેશ, આવક વેરા વિભાગના દિલ્હી સ્થિત બેનામી પ્રોહિબિશન યુનિટે જારી કર્યો હતો. જમીનનો પ્લોટ,  આનંદકુમાર અને તેની પત્ની વિચિતર લતાના લાભાર્થીની માલિકીનો છે. જુનમાં લખનૌ ખાતે પક્ષ વડામથકે મળેલા વાર્ષિક અધિવેશનમાં માયાવતીએ આનંદકુમારની નિયુકિત પક્ષના ઉપપ્રમુખ તરીકે (ફરી વાર) કરી હતી. ભૂતકાળમાં ય આવી નિયુકિત પક્ષના ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી ત્યારે,  માયાવતી વંશવાદી રાજકારણને વેગ આપતા હોવાના વિપક્ષી આક્ષેપો થતાં એ પદેથી દૂર કર્યા હતા. ભૂતકાળમાં નોઈડા ઓથોરિટી ખાતે કલાર્ક રહેલા આનંદકુમાર, બનાવટી કંપનીઓ ઉભી કર્યાનો અને તેની સામે કરોડો રૂ.ની લોન લીધાના ય  આરોપ છે.’07માં માયાવતી સત્તા પર આવ્યા બાદ આનંદકુમારે આશરે 49 કંપનીઓ ખોલ્યાનું મનાય છે અને ’14ના અંત સુધીમાં તેમની અસ્કયામતો રૂ 1,316 કરોડ જેવા માતબર આંકને આંબી ગઈ હતી. નોટબંધી વેળા આનંદના ખાતામાં એકાએક રૂ. 1.43 કરોડ જમા થયાને પગલે તપાસ એજન્સીઓએ તેના ઘર અને કચેરીઓમાં દરોડા પાડયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer