લોકસભામાં નાણા ખરડો પસાર

લોકસભામાં નાણા ખરડો પસાર
       બજેટની દરખાસ્તો ‘મેઇક ઇન ઇન્ડિયા’ને ઉત્તેજન આપશે : નાણાપ્રધાન
ક્ષ     આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 18 : લોકસભાએ ગુરુવારે ધ્વનિ મતથી નાણાં ખરડો (નંબર-2) 2019 પસાર કર્યો હતો. નાણાં ખરડા પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે બજેટની જોગવાઈઓ ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે નાણાં ખરડા 2019ની કરવેરાની દરખાસ્તોનો હેતુ લોકોની જિંદગી સરળ બનાવવાનો અને તેમના દુ:ખને ઘટાડવાનો છે. જોકે, તેમણે ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો, બૅન્કો પાસેથી રૂપિયા 1 કરોડથી વધુની રોકડ વિડ્રોવલ પરના ટીડીએસ અને
ન્યૂઝપ્રિન્ટ પરની કસ્ટમ ડયૂટીમાં વધારા સંબંધમાં કરવેરા દરખાસ્તોમાં કોઈ છૂટછાટ આપી નહોતી, આવી છૂટછાટની માગણી વિપક્ષે કરી હતી. બૅન્કોમાંથી ઉપાડવામાં આવતા રૂપિયા એક કરોડ કરતાં વધુનાં નાણાં પર એક ટકો ટીડીએસ લાદવાનો ઉલ્લેખ કરતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે કરદાતાઓની જવાબદારી સામે કરવેરાને બંધબેસતું કરી શકાશે અને એટલે તેમના પર વધારાનો બોજો
નહીં પડે. કરવેરાના કાયદાઓને સરળ કરવા સંબંધમાં નાણાં મંત્રાલયે નવા ડિરેક્ટ ટૅક્સ કોડ (ટીડીસી)ને આખરી સ્વરૂપ આપવા ટાસ્ક ફોર્સની રચના કરી છે એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. ન્યૂઝપ્રિન્ટ પરની કસ્ટમ ડયૂટી 10 ટકા વધારવાની દરખાસ્ત પર નાણાપ્રધાન કશું બોલ્યા ન હતા.ઘણા સભ્યોએ ન્યૂઝપ્રિન્ટ પરની કસ્ટમ ડયૂટીના વધારાને ઘટાડવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આનાથી નાનાં અને મધ્યમ કદનાં અખબારોને અસર થશે. બીજેડીના મેહતાબે આ જોગવાઈ સંબંધમાં સુધારાની દરખાસ્ત રજૂ કરી હતી, પરંતુ નાણાં ખરડો પસાર કરતી વખતે તેના તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. નાણાપ્રધાને જણાવ્યું હતું કે ‘મેઇક ઇન ઇન્ડિયા’ને ધ્યાનમાં રાખીને નાણાં ખરડા (2)માં સાત સીધા અને આડકતરા કરવેરા સંબંધી કાયદાઓમાં સુધારાની જોગવાઈ કરવામાં આવી છે.
સીતારામને જણાવ્યું હતું કે પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ, બ્લૅકમની ઍક્ટ, ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ફાઇનાન્સ ઍક્ટ 2015, ફાઇનાન્સ ઍક્ટ 2004 અને બેનામી ઍક્ટ એવા સાત સીધા કરવેરામાંના કેટલાક કાયદાઓ છે જેમાં સુધારા કરવાની આ ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. એવી જ રીતે આડકતરા કરવેરાને લગતા સાત કાયદામાં પણ સુધારા કરવામાં આવી રહ્યા છે.
માત્ર જીએસટીમાં જ પાંચ જુદાજુદા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે જેથી માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇસીસ (એમએસએમઈ) ક્ષેત્રને સરળતા થાય અને ડિજિટલ પેમેન્ટ્સને ઉત્તેજન મળશે.
પીએમએલએ (પ્રિવેન્શન અૉફ મની લોન્ડરિંગ ઍક્ટ)માં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. એવી જ રીતે સેબી ધારા સહિત ફાઇનાન્શિયલ માર્કેટ્સને લગતા આઠ ધારાઓમાં પણ સુધારા થઈ રહ્યા છે એમ નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું.
આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને બેનામી ઍક્ટ, સેબી ઍક્ટ અને પીએમએલએ ઍક્ટ સહિત અસંખ્ય કાયદાઓમાં સુધારાની જોગવાઈ ધરાવતા નાણાં ખરડા સામે વાંધો ઉઠાવ્યો હતો અને સ્પીકર ઓમ બિરલાને આ ખરડાને પસાર નહિ થવા દેવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે નાણાં ખરડામાં માત્ર ટૅક્સેશનની દરખાસ્તો જ હોવી જોઈએ. સ્પીકર ઓમ બિરલાએ પોતાના આદેશમાં પ્રેમચંદ્રનના વાંધાઓને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે અગાઉ પણ એવું બન્યું છે કે, નાણાં ખરડામાં ટૅકસેશન દરખાસ્તો સિવાયની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય.
ચર્ચાનો પ્રારંભ કરતાં કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની રોજગારની હાલત ગંભીર છે અને રોજગારીના આંકડા નિરાશાજનક છે. નિકાસ ઘટી રહી છે. દેશ આર્થિક વિષચક્ર તરફ ધકેલાઈ રહ્યો છે અને આવા સમયે એનડીએ સરકાર પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્યાંકની વાત કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer