હીરાઉદ્યોગમાં કારીગરોની ધીરજ ખૂટી : સુરતમાં બે રત્નકલાકારની આત્મહત્યા

રત્નકલાકારે પાંચમા માળથી કૂદકો લગાવી મોતને વ્હાલુ કર્યુ: તો બીજાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરત, તા. 18: રાજ્યનો હીરાઉદ્યોગની પ્રર્વતમાન સ્થિતિ થોડી નાજૂક બની છે. કારખાનેદારો આર્થિક સંકડામણનાં કારણે કારીગરોને છૂટ્ટા કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. એવામાં હીરાનાં કારીગરોની ધીરજ ખૂટતાં છેલ્લાં બે દિવસમાં શહેરમાં બે હીરાનાં કારીગરોએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આજે શહેરનાં વેડરોડ વિસ્તારમાં આવેલાં રામજીનગર સોસાયટીનાં રીષીકેષ એપોર્ટમેન્ટમાં રહેતાં ગૌરવ ગજ્જર (ઉ.40) નામનાં હીરાનાં કારીગરે પાંચમાં માળેથી કૂદકો લગાવી મોત વ્હાલું કર્યુ હતું. ગૌરવ ગજ્જરની છેલ્લાં ત્રણ માસથી નોકરી છૂટી ગઈ હતી. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મૃતકનાં પિતા શહેરની ખાનગી હોસ્પિટલમાં વોચમેનની નોકરી કરે છે. મૃતકને 15 વર્ષની, 13 વર્ષ અને એક 11 વર્ષની ત્રણ દીકરીઓ છે.
મૃતકની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મોટી દીકરી ક્રિષ્નાને ધોરણ 9નાં અધૂરા અભ્યાસે શાળાથી ઉઠાડી લીધી છે. ઘણાં સમયથી સતત મૂંઝાયેલાં ગૌરવે આર્થિક ભીંસમાં કંટાળીને આજે અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. પાંચમાં માળેથી કૂદકો લગાવનાર ગૌરવનો મૃતદેહ જોઈ પરિવારજનોએ હૈયફાટ રૂદન કરતાં સમગ્ર માહોલ ગમગીન બન્યો હતો.
શહેરનાં પૂણા ગામ વિસ્તારમાં રહેતાં અને હીરાનાં કારખાનામાં કામ કરતાં ભાવેશ રમેશભાઈ સોલંકીએ આર્થિક સંકડામણમાં ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજ્યું હતું. 21 વર્ષીય મૃતક ભાવેશે ગત 15મીએ ઝેરી દવા પી લીધી હતી. તેની પાસે હાલમાં કોઈ કામધંધો ન હોવાથી બેકારીમાં કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હીરાનાં કારીગરોનાં સંગઠને રાજ્યમાં હીરાઉદ્યોગમાં વ્યાપેલી મંદી મામલે રાજ્ય સરકારને અવગત કરી છે. રાજ્ય સરકાર પાસે હીરાનાં કારીગરો માટે રત્નદીપ યોજના જાહેર કરવાની માગ કરી છે. ડાયમંડ યુનિયન વર્કર સંગઠનનાં તાજા અભ્યાસ મુજબ રાજ્યમાં 10 હજારથી વધુ રત્નકલાકારો બેકાર છે. બેરોજગાર કારીગરોએ ફોનનાં માધ્યમથી સંગઠનને પોતાની આપવીતી જણાવી છે. જેનો ડાટા રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer